સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

કચ્છમાં હજી સારવારનું ઠેકાણુ પડયું નથી ત્યાં રસીની રાડ : રસી વગર લોકો પાછા ગયા

કોરોનાએ આપત્તિ વ્યવસ્થાપનની અધુરાશોની પોલ ખોલી : સરકારની નવી નવી જાહેરાતો વચ્ચે તંત્ર અને નેતાઓ વામણા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ : કોરોનાની મહામારીએ લોકોને મુશ્કેલીમાં મૂકયા છે, આપત્તિના આ સમયમાં એક બાજુ સરકાર સતત નવી નવી જાહેરાતો કરે છે, પણ લોકોની મુશ્કેલી હળવી કરવામાં તંત્ર અને નેતાઓ વામણા સાબિત થઈ રહ્યા છે.

કચ્છમાં કોરોનાની સારવાર બાબતે સરકારે મોટી મોટી જાહેરાતો કર્યા પછી તંત્ર હાંફી ગયું અને હવે સરકારે યુવાનો માટેના રસીકરણમાં કરેલી મોટી મોટી જાહેરાતો પછી ફરી તંત્ર હાંફી ગયું છે. ભુજમાં રસીકરણ માટેના ચાલુ તમામ કેન્દ્રો બંધ કરી દેવાતાં રસી લેવા માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો હતો. એકાદ બે જગ્યાએ માત્ર નવા રજીસ્ટ્રેશન કરેલા યુવાવર્ગ માટે જ રસીકરણ ચાલુ હતું.

અગાઉ ૪૫ વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ માટે બીજો ડોઝ લેવો શકય બન્યો નહતો હવે જયારે રસી મળે ત્યારે ફરી બીજો ડોઝ અપાશે. કચ્છની ઉપલબ્ધ રસીનો જથ્થો અમદાવાદ મોકલી દેવાયો હતો. જોકે, કચ્છમાં લોકોની ભારે બૂમરાણ બાદ હજી કોરોનાની સારવારનું પણ પૂરું ઠેકાણું પડ્યું નથી ત્યાં હવે રસીની બૂમરાણ સર્જાઈ છે.

કોરોનાએ આપત્તિ વ્યવસ્થાપનની પોલ ખોલી નાખી છે, સરકારની મોટી જાહેરાતો પછી લોકોની મુશ્કેલી ઘટતી નથી. તો તંત્ર અને નેતાઓ પણ વામણા પુરવાર થઈ રહ્યા છે.

(11:01 am IST)