સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th July 2022

વિરપુરના પીઠડીયા ટોલ પાસે ફેરીયા ઉપર હુમલો કરનાર અર્જુનની ધરપકડ

બંને ફેરીયાઓ વચ્‍ચેના ડખ્‍ખાનો વિડીયો વાયરલ થયો'તો

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર તા. ૪ : વિરપુર પાસેના પીઠડીયા ટોલ પ્‍લાઝાએ પાણી વેંચવા જેવી સામાન્‍ય બાબતે બે ફેરીયાઓ વચ્‍ચે માથાકૂટ સર્જાતા એક ફેરીયાએ બીજા ફેરીયા પર લોખંડની પ્‍લેટ વડે હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચાડયાની ઘટનામાં વિરપુર પોલીસે હુમલો કરનાર ફેરીયાને ઝડપી લીધો હતો.

પીઠડીયા ટોલ પ્‍લાઝાએ પપ્‍પુભાઈ બારૈયા નામના ફેરીયાને એકાદ મહિના પૂર્વેᅠ ગૌરીબેન ભરતભાઇ કોળી નામની મહિલા સાથે પાણીની બોટલ વેંચવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્‍યારબાદ બંને આ માથાકૂટને ભૂલી ટોલ પ્‍લાઝાએ પોતાનો વ્‍યવસાય કરવા લાગ્‍યાં હતાં. પપ્‍પુભાઈ ટોલ પ્‍લાઝાએ ફેરી કરતા હતાં ત્‍યારે ગૌરીબેનનો પુત્ર અર્જુન ત્‍યાં આવીને પોતાની પાસે રહેલ લોખંડની વજનદાર પ્‍લેટ માથામાં મારતા પપ્‍પુભાઈ ગંભીર ઇજા સાથે સીધા જમીન પર ફસડાઈ પડ્‍યા તેમ છતાં અર્જુને હુમલો ચાલુ જ રાખતા પપ્‍પુભાઈ ગંભીર ઇજાની હાલતમાં લોહીલુહાણ થઈ ગયાં. આ જોઈ ટોલ પ્‍લાઝાએ અન્‍ય ફેરીયાઓ દોડીને આવીને અર્જુનને ત્‍યાંથી લઈ ગયા હતાં. આ બાજુ ગંભીર હાલતમાં પપ્‍પુભાઈને સારવાર માટે સરકારી હોસ્‍પીટલ ખસેડતા ત્‍યાં પ્રાથમિક સારવાર આપી માથામાં હેમરેજ થઇ ગયું હોવાથી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્‍યા હતાં.

આ સમગ્ર બનાવ ટોલ પ્‍લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ ફૂટેજનો વીડિયો વાયરલ થતાં વીરપુર પોલીસે રાજકોટ સરકારી હોસ્‍પીટલ જઈ પપ્‍પુભાઈની પત્‍નીની ફરીયાદ પરથી અર્જુન સામે આઈપીસી ૩૨૩, ૩૨૫ અને જીપી એક્‍ટ ૧૩૫ હેઠળ ગુન્‍હો નોંધી તેની ધરપકડ કરી હતી.

(1:22 pm IST)