સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

મુન્દ્રાના બેરાજા ગામે પત્નિને ત્રાસ આપતા પતિને પકડનાર પોલીસ કોન્સ્ટેબલને પતિએ બચકું ભર્યુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: મુન્દ્રાના બેરાજા ગામે મહિલા પોલીસ હેલ્પલાઇન ઉપર પતિ ત્રાસ આપતો હોવાની એક પત્નીની આવેલ ફરિયાદને પગલે મહિલા પોલીસ મુન્દ્રા પોલીસની ટીમ સાથે બેરાજા ગામે પહોંચી હતી. ત્યાં આરોપી પ્રદીપસિંહ નારુભા જાડેજાની ધરપકડ કરી હતી. આરોપી સામે તેની પત્ની જયોત્સનાબા (ઉ.૨૮)એ દહેજ અંગે ત્રાસ અને સતત મારકૂટ કરાતી હોવાની ફરિયાદ રાત્રે ૧૦ વાગ્યે મહિલા હેલ્પ લાઇન ઉપર કરી હતી. જેને પગલે મુન્દ્રા પોલીસની ટીમ મધરાતે પહોંચી આરોપીને પકડી મુન્દ્રા પોલીસ સ્ટેશને પરત ફરી રહી હતી ત્યારે આરોપી પ્રદીપસિંહે જીપમાંથી નાસવા પ્રયાસ કર્યો હતો. તેને કોન્સ્ટેબલ સંજય પ્રજાપતિએ પકડતાં આરોપી પ્રદીપસિંહે કોન્સ્ટેબલને બચકું ભરી લોહી કાઢી નાખ્યું હતું. જે અંગે તેની સામે ફરજ પર રૂકાવટનો કેસ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે.

(10:52 am IST)