સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

વડિયાથી ઉપડતી એક માત્ર લાંબા રૂટની બસ વડિયા - બાપુનગર બંધ થતા લોકો પરેશાન

ઓનલાઇન બુકીંગ ચાલુઃ બસ ઘણા દિવસથી બંધઃ દવાખાનાના કામ માટે જતા લોકોની એક માત્ર સુવિધા છીનવાઈ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૪: અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તારને ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી)વિભાગ દ્વવારા તાલુકા મથક હોવા છતાં લાંબા રૂટની મુસાફરી ની સુવિધાઓ ધરાવતી બસો બાબતે ઓરમાયુ વર્તન કરવામાં આવતુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે.હાલ વડિયા વિસ્તારના લોકો માટે સમગ્ર ડેપોમાં મોટા રૂટની એકમાત્ર બસ વડિયા - અમદાવાદ (બાપુનગર ) હતી તે વડિયા વિસ્તારના લગભગ ૫૦ જેટલા ગામોના લોકોને કોઈ ગંભીર રોગની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવા માટે ની મહત્વ ની સુવીધા હતી તે બસ છેલ્લા દ્યણા દિવસ થી રદ કરવામાં આવી છે. તેને કારણે અમદાવાદ માટે ને એકમાત્ર વાહન વ્યવહારની સુવિધા પણ વડિયાના લોકોની છીનવાઈ છે. જોકે આ બાબતે ઊંડી તપાસ કરતા હજુ આ બસ નુ ઓનલાઇન બુકીંગ બંધ કરવામાં આવ્યું નથી. લોકો ઓનલાઇન બુકીંગ કરાવે તો ફરી બસ કેન્સલ બાબતે જાણ પણ કરવામાં આવે છે. તો વડિયા વિસ્તારના લોકો પ્રત્યે એસટીના લાંબા અંતરના રૂટ વધારવાના બદલે એકમાત્ર લાંબો રૂટ હતો તે પણ બંધ કરવામાં આવતા લોકો માં અનેક પ્રકાર ની ચર્ચાઓ જોવા મળી રહી છે. એક બાબતે લોકો દ્વારા ફરી આ સુવિધા આપવામાં આવે તેવી માંગણી કરાઈ રહી છે.

(10:55 am IST)