સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

માળીયા મિંયાણાના વવાણીયામાં માવજીભાઇ અને પુત્ર બવલા પર વેવાઇનો હીચકારો હુમલો

જુના મનદુઃખનો ખાર રાખી મેરૂભાઇ, તેના ભાઇ બાબુભાઇ સહિતના છરીથી તૂટી પડ્યાઃ પિતા-પુત્રને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૪: માળીયા મિંયાણા તાબેના વવાણીયા ગામે રહેતાં માવજીભાઇ જીવાભાઇ મોરવાણીયા (કોળી) (ઉ.વ.૪૫) અને તેના પુત્ર બવલા માવજીભાઇ મોરવાણીયા (ઉ.વ.૩૨) પર માવજીભાઇના વેવાઇ મેરૂભાઇ તથા તેના ભાઇ બાબુભાઇ સહિતે છરીથી હુમલો કરી બંનેને પેટ, પડખા, શરીરે આડેધડ ઘા ઝીંકી દેતાં સારવાર માટે મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ માળીયા મિંયાણા પોલીસને જાણ કરી હતી. માવજીભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા છે. તે બોલેરોનું ડ્રાઇવીંગ કરે છે. તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. જેમાં બવલો મોટો છે. બવલો પાનની કેબીન ચલાવે છે અને કારખાનામાં પણ કામે જાય છે. માવજીભાઇના સગાના કહેવા મુજબ તેની દિકરીસોમીના લગ્ન મેરૂભાઇના દિકરા મનસુખ સાથે થયા છે. અગાઉ દિકરીને હેરાનગતિ મામલે વેવાઇ સાથે મનદુઃખ થયું હોઇ તેનો ખાર રાખી ગત રાતે નવેક વાગ્યે અચાનક જ મેરૂભાઇ અને તેના ભાઇ બાબુભાઇ સહિતનાએ આવી માવજીભાઇ અને પુત્ર બવલાને છરીના ઘા ઝીંકી દીધા હતાં. માળીયા મિંયાણા પોલીસે આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે. પિતા-પુત્ર બંનેને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલમાં રાતે જ બંનેને ઓપરેશનમાં લઇ જવાયા હતાં.

(11:03 am IST)