સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

ભાવનગરમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બે આરોપીઓને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા . ૪ : બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના તિલકનગર - સુભાષનગર પુલ નજીક અષાઢી બીજ રથયાત્રાના દિવસે જ બપોરના સુમારે એક સગીર સહિત ત્રણ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરતા યુવાનનું મોત નિપજયુ હતુ . આ અંગેનો કેસ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય બે આરોપી સામે ઇપીકો કલમ ૩૦૪ પાર્ટ -૧ , મનુષ્યવધના ગુના સબબ બંન્ને આરોપીને તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખ્ત કેદની સજા અને બંન્ને આરોપીના રૂપિયા એક - એક લાખ લેખે રોકડ રૂા . ૨ લાખ વળતર પેટે ગુજરનારના માતા પિતાને ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો .

આ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ શહેરનાં ભરતનગર - કૈલાશનગરમાં રહેતા ફરિયાદી રાજુભાઈ ઉર્ફે ભોલો હર્ષદભાઈ પરમાર તથા અમીતભાઈ ભરતભાઈ ચૌહાણ અને બાલાભાઈ પ્રફુલભાઈ રાઠોડ ( રહે . બંન્ને સુભાષનગર , ભાવનગર ) મળી ત્રણેય મિત્રો રિક્ષા લઈને તિલકનગર પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ કેસના આરોપીઓ કિશન જીતુભાઈ ચૌહાણ ( ઉ.વ .૧૯ , રહે . સરદારનગર , નર્મદા નિગમની કચેરી પાસે , મફતનગર , ભાવનગર ) દર્શન ઉર્ફે લલ્લુ રમેશભાઈ નટુભાઈ પરમાર ( ઉ.વ .૨૦ , રહે . ૨૪૪ , રૂવા ૨૫ વારીયા , રીંગ રોડ , લીલા ઉડાનની પાછળ ) તથા અન્ય એક બાળ આરોપી એમ ત્રણેય શખ્સો પોતાનું મોટર સાયકલ પુલ પર રસ્તામાં આડુ મુકી અંદરો - અંદર ઝદ્યડો કરતા હોય આથી ફરીયાદી તેને સમજાવવા જતા ઉકત શખ્સો ઝદ્યડો કરવા લાગ્યા હતા આથી ફરીયાદીના અન્ય મિત્રો અમીત અને બાલાભાઈ પણ નીચે ઉતરી સમજાવટ કરવા ગયા હતા તેવામાં આરોપીઓએ ઝદ્યડો કરી અને લાકડાના ધોકા વડે હુમલો કરતો ફરિયાદી કિશનભાઈ તથા તેના મિત્ર અમીતભાઈ ચૌહાણને માથા તથા કાનના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી . આથી ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયેલ જયાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ અમીત ભરતભાઈ ચૌહાણ (ઉ.વ .૨૩ , રહે . શેરી નં . ૩ , સુભાષનગર , ભાવનગર) નું મૃત્યુ નિપજયુ હતુ .

આ અંગેનો કેસ અત્રેની પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો મૌખીક પુરાવા ૧૪ , દસ્તાવેજી પુરાવા -૩૯ વિગેરે ધ્યાને રાખી આરોપી કિશન જીતુભાઈ ચૌહાણ અને દર્શન ઉર્ફે લચ્છુ રમેશભાઈ પરમાર બંન્ને આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૪ પાર્ટ -૧ , મુજબનો ગુનોસાબીત માની બંન્ને આરોપીને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા . ૩ હજારનો દંડ , આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા , ઇપીકો કલમ ૩૨૩ મુજબના ગુના સબબ બંન્ને આરોપીઓને ૬ માસની સજા અને રોકડા રૂા . પ ૦૦ નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સજા , ઉપરાંત બંન્ને આરોપીઓએ મરણજનારના માતા પિતા ને વળતર પેટે રૂા . એક - એક લાખ લેખે રૂા . ૨ લાખ ચુકવી આપવા પણ અદાલતે હુકમ કર્યો હતો . જયારે અન્ય એક આરોપી જુવેનીયલ હોય તેનુ ચાર્જસીટ અલગથી જુવેનીયલ કોર્ટમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:45 am IST)