સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

નાણાંની ઉઘરાણી મામલે ભુંગરા-બટેટાના ધંધાર્થી ઉપર ચપ્પુથી હુમલો

મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે નાસ્તાની લારીએ બનેલી ઘટનામાં એક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ નાસ્તાની લારીના ધારક પાસે હાથ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરી એક શખ્સે તેના ઉપર ચપ્પુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ભુંગરા-બટેટાની લારીના ધારકે આરોપી સામે હુમલો અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની વાઘપરા શેરી નંબર 13માં રહેતા અને મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે ભુંગરા-બટેટાની લારીના ધરાવતા અભી દિલીપભાઈ મીરાણીએ આરોપી દિપક રાજુભાઇ બુદ્ધદેવ સામે ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ તેઓએ આરોપી પાસેથી રૂ.50 હજાર હાથ ઉછીના લીધા હતા.તેમાંથી હવે રૂ.3 હજાર જ દેવાના નીકળતા હતા. દરમિયાન તેઓ ગતરાત્રે પોતાની નાસ્તાની લારીએ હતા.ત્યારે આરોપીએ ત્યાં આવી હાથ ઉછીના આપેલા રૂપિયામાંથી બાકીના નીકળતા રૂપિયા અત્યારે જ આપી દે તેવું કહી બોલાચાલી કરી ગાળો આપીને નાસ્તાની લારીએથી શાક સુધારવાનું ચપ્પુ લઈને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. આથી હુમલામાં ઘવાયેલા યુવાનને તાકીદે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:23 pm IST)