સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

કોરોના મહામારીથી સોમનાથ તીર્થ પર્યટન મથકના નાના વેપારીઓ આર્થિક બેહાલી તરફ ધકેલાયા!!

'ચારો તરફ લગે હૈ..બરાબરીયો કે મેલે..(કોરોના) તુને જો દે દિયા ગમ બે મૌત મર ગયે હમ્' : લાઇટબીલ, માણસોના પગાર, હાઉસટેકસ, ભાડાના ખર્ચ પણ માથે પડે છે : વેપાર ૮૦ ટકા ઘટી ગયો : યાત્રિકોથી ધમધમતા ગેસ્ટ હાઉસો સુનકાર ભાસે છે : નવરાધુપ વેપારીઓ 'રામાયણ' 'મહાભારત' ગ્રંથ વાચી સમય પસાર કરે છે : હેન્ડીક્રાફટની વસ્તુ હાલ તો ઘર જમાઇ થઇને પડી છે : કોઇ ભાવ પુછતું નથી

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.૪ : ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ અને વિશ્વ પ્રવાસીઓના માનીતા પર્યટન મથક તીર્થભુમી સોમનાથ અને તેની આસપાસના ધંધા રોજગારોને વૈશ્વિક મહામારી કોરોનાનું ગ્રહણ ગ્રસી ગયુ છે.

માર્ચ મહિનાથી જ સોમનાથ મંદિરની આસપાસ બાયપાસ અને ગામમાં યાત્રિકો પ્રવાસીઓથી ધમધમતા ગેસ્ટહાઉસો સુનકાર ભાસે છે.

સોમનાથના શોપીંગ કોમ્પલેક્ષના લક્ષ્મણભાઇ જેઠવા કહે છે, દર વર્ષે અમારે શ્રાવણ મહિનો વેકેશન વર્ષભરની કમાણી સીઝન હોય છે જે સાવ ઠપ્પ છે. ભાગ્યે જ કોઇ રળ્યો ખળ્યો ગ્રાહક દુકાને આવે છે. નવરાશ તો એટલી બધી છે કે હું રામાયણ અને મહાભારત વાંચી આ સમય પસાર કરૂ છુ. રામેશ્વર, કલકતા, મુંબઇ, આગ્રા, હરિદ્વાર, જયપુર જઇ શંખ અને તેની બનાવટોના તોરણો, પંચધાતુની મુર્તિઓ, પીતળનો પુજા સામાન, આભલાવાળા પર્સ, ત્યા જઇ જથ્થાબંધ ખરીદી કરવા જતા વેપારીઓ પણ મુશ્કેલીમાં છે અને કહે છે  ગ્રાહક જ નથી તો માલ શું લાવવો. લીલી માંડવીને સેકી વેચવાનો ધંધો કરતા રામભાઇ ગરેજાનો ચહેરો પણ ઉદાસ છે કારણ કે ગ્રાહક જ નથી.

સોમનાથના દરિયાકાંઠે પ્રવાસીઓ યાત્રિકોને કેમલ અને ઘોડેસવારી મુસાફરી કરાવતા ચાલકો સાવ નવરાધૂપ છે તો સોમનાથ મંદિર પાસે અને દરિયાકાંઠે નાળીયેર ત્રોફા, બાળકોના ચશ્મા, ત્રાજવા ત્રોફાવારા બધાય મુંજાયા છે આમા કરવુ શુ અને હવે તો લાગવા જ મંડયુ છે કે, 'કાહે મનવા દુઃખ કી ચિંતા હૈ, દુઃખ તો અપના સાથી હૈ' કેટલાક લોકોએ તો હવે મકાનના પ્લાસ્ટરનો ધંધો શરૂ કર્યો છે તો અન્ય પર્યટન સ્થળનો ધંધો ત્યજી મજૂરી કામે વળગી ગયા છે. દરેક ધંધાદારીઓએ  આવા સંજોગોમાં લાઇટબીલ, નોકર પગાર અને મેન્ટેનન્સ ખર્ચ તો ન છુટકે કરવો જ પડે છે.

નાળીયેર ત્રોફા વેચનારા હવે માલ જ મંગાવતા નથી. થોડા હિંમત કરીને મગાવે તો ખપી જાય તેવી ભગવાન પાસે મનોમન પ્રાર્થના કરે કારણકે લાંબો વખત નાળીયેર પાણીવાળા રહી શકતા નથી તેમ નરોતમભાઇ કહે છે.ધાર્મિક સ્થળ હોય શિવધારાના ભગાભાઇ જેઠવા કહે છે અનેક વ્રતો, ધાર્મિક પુસ્તકોનો ઢગલો ખડકી દીધો પણ ખરીદાર જ નથી અને નવી પેઢી વ્રતના પુસ્તકો ખરીદતી પણ નથી. કાશ્મીર જેમ પ્રવાસીઓનું મથક છે અને હરિદ્વાર જેમ તીર્થ મથક છે જેથી સોમનાથમાં બારેય માસ આવતા રહેતા યાત્રી પ્રવાસીઓમાંથી બે પાંદડે થવા કે રોજી રોટી મેળવવા અનેક લોકોએ ગેસ્ટ હાઉસો વર્ષભર માટે ભાડે રાખ્યા ત્યારે કોરોના ન હતો પણ ઓચિંતો કોરોના આવતા સોમનાથ આવતા પ્રવાસીઓ સોમનાથ આવતા નથી જેથી રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ટ્રાવેલ્સ બુકીંગ, ફુલહાર બજાર, પ્રસાદી વહેચનારા, યાત્રિકોને ત્રિવેણી સંગમમાં નૌકા વિહાર કરાવનાર ટુરીસ્ટર ટેકસી ચાલકો બધાય સાવ નવરાધૂપ છે. કેટલાકને તો માંડ માંડ રૂપિયા પચાસથી માંડી રૂપિયા ૫૦૦ની બોણી ભાગ્યમાં હોય તો થાય છે.

(11:33 am IST)