સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

જુનાગઢ મ્યુ. કોર્પો.ના વાહનોમાં GPS સિસ્ટમ લગાડવાની વાત એક વર્ષથી હવામાં લટકી રહી છે!!

વોર્ડ નં. ૪ના મહિલા કોર્પો.ની રજૂઆત બાદ ટેન્ડર મંગાયા, ટેન્ડર ફીની રકમ જમા થયા બાદ અચાનક ટેન્ડરની પ્રક્રિયા જ રદ કરાય શા માટે? : વાહનોનો ખોટો વપરાશ કરી પેટ્રોલ - ડીઝલના ખર્ચની પોલ ખુલી પડી જાત !!

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૪ :.. જુનાગઢ મ્યુનિસીપલ વોર્ડ નં. ૪ ના મહિલા કોર્પોરેટર મંજૂલાબેન પરસાણાએ જુનાગઢના મ્યુનિ. કમિશનરને એકપત્ર પાઠવી તેમણે અગાઉના ૧૯-૯-ર૦૧૯તથા તા. ૧૮-પ-ર૦ ના રોજ મહાનગરપાલીકાના  વાહનોમાં જીપીએસ સીસ્ટમ લગાવવાની રજૂઆત અંગે કશી કાર્યવાહી નહિ થતા ફરી રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં કોર્પોરેટર મંજૂલાબહેને જણાવેલ છે કે જુનાગઢનો વિસ્તાર ખુબ જ નાનો છે. આમ છતાં મહાનગરપાલિકા પાસે સફાઇ કામગીરીથી લઇને અન્ય કામગીરી માટે કર્મચારીઓ તથા અધિકારીઓ માટેનાં વાહનોનો મોટો કાફલો છે. (જરૂરીયાત કરતા વધારે).

આટલા વાહનો હોવા છતાં પ્રજાના કામો સમયસર થતા નથી વાહનોનો ઓફીસના કે પ્રજાના કામ સિવાય અધિકારીઓ અંગત કામમાં વાહનો વાપરી પેટ્રોલ - ડીઝલનો વ્યપ કરી રહ્યા છે.

મોટા વાહન કાફલાને કારણે અને વાહનોના દુરૂપયોગને લીધે મહાનગર પાલીકા પર ખોટો પેટ્રોલ - ડીઝલ-કર્મચારીઓના પગાર અને મેઇન્ટેન્સના ખર્ચનો બોઝો પડતો હોય વાહનોનો ગેરઉપયોગ અટકાવવા દરેક વાહનમાં જીપીએસ સીસ્ટમ લગાવવા રજૂઆત કરેલ હતી તેમ મહિલા કોર્પોરેટર મંજૂલા બહેને જણાવેલ છે.

મંજૂલાબેને વધુમાં કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે મારી જીપીએસ સીસ્ટમ વાહનોમાં લગાવાની રજૂઆત બાદ મહાનગરપાલીકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલ પાર્ટીએ ટેન્ડર મુજબની રકમ પણ ભરી દીધેલ હતી. પરંતુ જેતે સમયના મ્યુનિ. કમીશનરે મૌખીક સુચનાથી ટેન્ડરની પ્રક્રિયા રદ કરી દીધી હતી.

જો વાહનોમાં જીપીએસ સીસ્ટમ લગાવાઇ હોત તો મહાનગર પાલિકામાં વાહનોનો થતો બેફામ દુરઉપયોગ અટકી જાત. મેઇન્ટેન્સના બહાને ખોટા બીલો બનત નહીં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટતા અધિકારીઓ પોતાના અંગત કામમાં વાહનો વાપરતા બંધ થઇ જાય તો વાહનોની આયુષ પણ વધત આમ જીપીએસ સીસ્ટમથી મહાનગરપાલીકાને આર્થિક લાભ થનાર હોય ફરીથી ટેન્ડર બહાર પાડી જીપીએસ સીસ્ટમનો અમલ કરવા કોર્પોરેટરે ભારપૂર્વક રજૂઆત કરી છે.

(1:01 pm IST)