સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

વડિયાના કોલડા ગામે વૃદ્ધ દંપતીના ચોરીના ઇરાદે ગળા દબાવ્યા

વડિયા, તા.૪: અમરેલી જિલ્લામાં ઉદ્યોગો ના નહીંવત વિકાસના કારણે લોકો સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઈ જેવા શહેરોમાં રોજગારી અર્થે સ્થળાંતર કરે છે. ત્યારે  ગ્રામીણ વિસ્તારમાં પોતાના વતનમાં આવેલા મકાન અને જમીનની દેખરેખ માટે પોતાના વૃદ્ધ માતાપિતા ગામડાઓમાં વસવાટ કરતા જોવા મળે છે. આ સ્થિતિ અમરેલી જિલ્લાના ગામડાઓમાં વધુ જોવા મળે છે ત્યારે છેલ્લા થોડા સમયથી લૂંટારુ તત્વો દ્વારા આવા વૃદ્વ લોકો પર રાત્રીના સમયે લૂંટના ઈરાદાથી હુમલા અને હત્યા કરવાની ઘટનાઓ સામે આવતી જોવા મળી છે.વડિયાના કોલડા ગામે વસવાટ કરતા મગનભાઈ શામજીભાઈ સોરઠીયા નામના વૃદ્ધ દંપતીના ત્રણ દિકરા સુરત મુકામે વસવાટ કરતા હોય જયારે વૃદ્ધ મગનભાઈ અને તેમના પત્ની મંજુલાબેન પોતાના ઘરે ઓશરીમાં રાત્રીના સમયે સુતા હતા ત્યારે કોઈ બે અજાણ્યા બે શખ્સો એ તેના ખડકીના બારનો દરવાજો કોષ થી તોડી અંદર પ્રવેશી લૂંટના ઈરાદાથી બંને વૃદ્ધના ગળાને ડબોચતા મંજુલાબેન જાગી જતા રાડા રાળી કરતા આસપાસના લોકો આવી જતા આ શખ્સો કોષ મૂકી નાશી છૂટ્યા હતા. આ બાબતની પોલીસ ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાતા વડિયા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વૃદ્વ લોકો પર થતા હુમલાઓ હાલ ખુબ ચિંતાનો વિષય બન્યા છે ત્યારે આવા લૂંટારા અને હુમલા ખોર શખ્સોને ઝડપી સખત કાયદાકીય કાર્યવાહી કરવા લોક માંગણી ઉઠતી જોવા મળી છે. તો બીજી બાજુ ગ્રામીણ વિસ્તારમાં એકતા વસવાટ કરતા વૃદ્વ લોકોમાં પણ ભયનો માહોલ સર્જાતો હોય તેવુ જોવા મળી રહ્યું છે.

(11:49 am IST)