સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

નરેન્દ્રભાઇના હસ્તે કચ્છમાં સોલાર પાર્ક-ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરાશે

ટેન્ટ સિટીમાં રાત્રી રોકાણ સાથેની બે દિવસની તૈયારીમાં તંત્ર વ્યસ્ત : તા. ૧૫મીએ માંડવીના દરિયામાં ડિસેલીનેશન પ્લાન્ટ અને ખાવડા પાસે મોટા રણમાં દુનિયાના સૌથી મોટા સોલાર પાર્કનું ભૂમિપૂજન કરશે : વિજયભાઇ રૂપાણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ કચ્છ આવી રહ્યા છે એવા સમાચારોને હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. જોકે, હજીયે ફાઈનલ પોગ્રામ બાકી છે. પણ ગાંધીનગર મધ્યે મુખ્યમંત્રી વિજયભાઈએ આ અંગે આપેલી માહિતીની સાથે જ કચ્છનું તંત્ર તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે.

કચ્છ જિલ્લાના અધિક કલેકટર કુલદીસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે સત્ત્।ાવાર કાર્યક્રમ નથી આવ્યો પણ અત્યારે સંભવિત કાર્યક્રમ પ્રમાણે આ પોગ્રામ ધોરડો મધ્યે સફેદરણ માં યોજાશે. નરેન્દ્રભાઈ અહીં થી જ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. કચ્છના મોટા રણમાં ખાવડા નજીક સરહદી વિસ્તાર ધરમશાળા પાસે અદાણી કંપની દ્વારા ૩૦ હજાર મેગાવોટનો સોલાર એનર્જી પાર્ક બનાવાશે. જે દુનિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેકટ હશે.

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા માંડવીના દરિયામાંથી ખારા પાણીને મીઠુ બનાવવાનો સફેદરણમાંથીડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરાશે. આ બંનેનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન ધોરડોથી થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ ધોરડોના સફેદ રણમાં રાત્રિ રોકાણ કરે તેવી શકયતા છે. આ માટે ટેન્ટ સિટી શાહી ટેન્ટમાં વ્યવસ્થા થઈ રહી છે.

ૅંમુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત આગામી તા.૧પ ડિસેમ્બરે કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે.

પ્રધાનમંત્રીશ્રી આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે.

દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનશ્રીના હસ્તે શરૂ કરતા જઇએ છીયે. તેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

(2:12 pm IST)