સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના ઇંગોરલાની સમા કુરૈશી સંસ્‍કૃત વિષય સાથે પીએચડી થનાર પ્રથમ મુસ્‍લિમ મહિલા

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીથી પ્રથમ વખત એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ પુરાણોના રિસર્ચ સાથે સંસ્કૃતમાં પીએચડી કર્યું છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની ઈંગોરલા ગામની સલમા કુરૈશી સંસ્કૃત સાથે પીએચ.ડી થનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે.

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીએ સલમાને પીએચ.ડીનું પ્રમાણ પત્ર ઈસ્યૂ કર્યું છે. સલમાએ “પુરાણેશુ નિરુપિતા શિક્ષાપાદધતી: એ સ્ટડી” શિર્ષક હેઠળ સંસ્કૃતમાં એક થીસિસ તૈયાર કરી છે.

આ અંગે યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ગાઈડ અતુલ ઉનાગરે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં 1964થી સંસ્કૃત વિભાગ ચાલે છે. જેમાં કોઈ મુસ્લિમે આજ સુધી આ વિષયમાં પીએચ.ડી માટે પ્રવેશ નથી મેળવ્યો. ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એક માત્ર મુસ્લિમ મહિલાએ સંસ્કૃતમાં પીએચડી કર્યું છે. એક તરફ પ્રાચીન ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટી રહ્યું છે, ત્યારે બીજી તરફ એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃતમાં PhD પૂર્ણ કર્યું તે ગૌરવની વાત છે.

સલમાનું કહેવું છે કે, ધોરણ 10 બાદ તેમણે 11 આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો અને ત્યારથી સંસ્કૃતમાં તેમનો રસ વધતો ગયો. તેમણે ધોરણ 12માં સંસ્કૃત વિષય સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી સંસ્કૃતમાં BA અને ભાવનગર યુનિવર્સિટીથી સંસ્કૃત વિષય સાથે MA પાસ કર્યુ.

સલમા કુરૈશીનું કહેવું છે કે, સંસ્કૃત એક પૌરાણિક ભાષા છે અને ભાષા અને ધર્મને ક્યારેય એક ના કરવા જોઈએ. મને શાસ્ત્ર શીખવામાં રુચિ હતી. આથી જ મે પુરાણો પર પીએચ.ડી કરવાનું નક્કી કર્યું અને કર્યું પણ ખરું.

સલમાના પિતા કેશુભાઈ કુરૈશી ગામમાં ખેતી કરી છે. સલમાને સંસ્કૃત-હિન્દુ પુરાણોમાં પીએચ.ડી કરવામાં તેના પરિવારનો પુરો સહયોગ મળ્યો છે.

(5:44 pm IST)