સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

સોરઠમાં કોવિડ દર્દીઓની સારવાર - સુવિધા અંગે વિજયભાઇ રૂપાણીની તંત્રને સુચના

વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જૂનાગઢ ખાતે કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષાઃ સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનો મિડીયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીશ્રીનો દાવો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૪ : સોરઠમાં કોવીડ દર્દીઓની સારવાર - સુવિધા અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ ખાતે તંત્રને સુચના આપી હતી અને કેટલાક મહત્વના સુચનો પણ કર્યા હતા.

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે અને કોરોનાના દર્દીઓને સમયસર સારવાર, દવા વગેરે મળતી ન હોવાની ફરિયાદો ઉઠતા કોરોના પ્રભાવિત રાજ્યના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર ગ્રુપે શહેરોની રૂબરૂ મુલાકાત લઇને સ્થળ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે.

જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ, પાટણ, જામનગર, કચ્છ અને દાહોદ જિલ્લામાં બેઠક પૂર્ણ કર્યા બાદ આજે સવારે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોરઠમાં કોવીડ દર્દીઓની સારવાર અને આરોગ્ય સુવિધા માટે જરૂરી સુચના આપી હતી.

આ બેઠકમાં કલેકટર ડો. સૌરભ પારઘીએ કોરોનાની સ્થિતિને લઇ લેવાયેલા પગલા અને સારવાર - સાધનો અંગેનો અહેવાલ રજુ કર્યો હતો જે અંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ સંતોષ વ્યકત કર્યો હતો.

આમ, છતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક પણ કોરોના દર્દી સારવાર વગર રહી ન જાય અને તે માટે જરૂરી તમામ સાધન - સુવિધા ઉપલબ્ધ કરવા તાકિદ કરી હતી.

કોર ગ્રુપની આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સાથે મુખ્ય સચિવ અનિલ મુકીમ, અગ્રસચિવ જયંતિ રવિ તેમજ કલેકટર ડો. સૌરભ પારઘી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, ડો. સુશીલ કુમાર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા તેમજ આરોગ્ય અધિકારીઓ વગેરે સહભાગી થયા હતા.

આ બેઠક બાદ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ મિડીયા સાથે વાતચીત કરી હતી અને કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કર્યો હતો.

તેઓએ જણાવેલ કે, રાજ્ય સરકાર કોવીડ દર્દીઓની સારવારને લઇ સઘન પગલા લઇ રહી છે અને તે માટે બેડ, ઇન્જેકશનો, દવા વગેરે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

(11:02 am IST)