સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

અમરેલીના સરંભડામાં એક જ દિવસમાં ર મોતઃ ૮ દિ'માં ૮ના મૃત્યુથી ગભરાટ

અમરેલીમાં રેપીડ ટેસ્ટ માટેની કિટ ખુટી પડી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૪   : સરકાર દ્વારા સાવચેતી માટે થતો સર્વેલન્સ પુરો થતા નથી. ટેસ્ટીંગ થતુ નથી તેના કારણે અમરેલીનું સરંભડા બીજુ હામાપુર બનવા તરફ જઇ રહયુ છે છેલ્લા ૮ દિવસમાં ૮ મૃત્યુ થયા છે અને તેમાય  સોમવારે એક જ દિવસમાં બે મૃત્યુથી સરંભડામાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા કોંગ્રેસના આગેવાન શ્રી દલસુખભાઇ દુધાત અને પ્રદેશ ભાજપના આગેવાન શ્રી મોટભાઇ સંવટ દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી છે કારણ કે સરંભડા ગામમાં ઘેર ઘેર ખાટલા છે હાલમાં કોરોનાના રર એકિટવ કેસ છે અને ગામની નાકાબંધી જરૂરી છે.

હજુ પણ અમરેલીમાં ઓકસીજનવાળા બેડની જગ્યા મળતી નથી અને જો કોઇ ગંભીર હાલતમાં મુકાય તો તેના માટે વેન્ટીલેટરની જરુર પડે તો સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટીલેટર ખાલી નથી તેવા સંજોગોમાં કોરોના ટેસ્ટ માટે અમરેલી શહેરમાં રેપીડ ટેસ્ટ માટેની કીટ ખુંટી પડી છે છેલ્લા ત્રણ દિવસથી અમરેલી શહેરમાંથી રેપીડ ટેસ્ટ થતો નથી જો કે જિલ્લામાં ૭૧પ રેપીડ ટેસ્ટ કરાયા છે. જેમાં ૮ પોઝીટીવ દર્દી મળ્યા છે અને ૧પ૮૬ જેટલા આરટીપીસીઆર પણ કરાયા છે તેમાંથી પ૦ દર્દી મળ્યા છે પણ શહેરમાં જેને સામાન્ય લક્ષણો છે અને અગાઉ સાવચેત થઇને સારવાર કરાવી છે તેવા લોકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે શહેરની ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર બંધ છે.

જે ગુરૂવાર શરૂ થવાનું છે અને જિલ્લા આરોગ્ય તંત્રના સર્વેલન્સમાં આરટીપીસીઆર શરૂ છે પણ તેનો રીપોર્ટ ત્રણ દિવસે આવે ત્યાં તો દર્દી ક્રિટીકલ  થઇ જાય છે જેથી શહેરમાં થતો રેપીડ ટેસ્ટ બંધ થતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે સામાન્ય લક્ષણ ધરાવનારા રેપીડ ટેસ્ટ કરાવી સારવાર લેતાં હોય છે પણ રેપીડ ટેસ્ટ જ બંધ થતા દર્દીઓને નિદાન માટે ત્રણ ત્રણ દિવસ સુધી રાહ જોવી પડે છે. જિલ્લા આરોગ્ય તંત્ર અમરેલી શહેરમાં સત્વરે રેપીડ શરૂ કરાવે તેવી લોકલાગણી છે.

(12:56 pm IST)