સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટઃ એક જ દિવસમાં ૩૫૦ કેસઃ ૭ દર્દીનાં મૃત્યુ

ર૪ કલાકમાં વધુ ૭૦ લોકો સંક્રમિત થયા

(વિનુ જોશી) જુનાગઢ તા. પ :.. જુનાગઢ જિલ્લામાં એકજ દિવસમાં કોરોનાનો વિસ્ફોટ થતા નવા ૩પ૦ કેસ નોંધાયા હતાં. ર૪ કલાકમાં વધુ ૭૦ લોકો સંક્રમીત થતા મુશ્કેલીમાં વધારો થયો છે.

તા. ૧ થી ૩ મે દરમ્યાન જિલ્લામાં દરરોજના નવા કેસનો આંક ૩૦૦ ની નીચે રહ્યો હતો. પરંતુ મંગળવારે ૭૦ કેસના વધારા સાથે ડેઇલી કેસ વધીને ૩પ૦ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જુનાગઢ સીટીમાં સોમવારે ૧૪૮ કેસ નોંધાયા બાદ મંગળવારે નવા કેસમાં ઉછાળો આવતાં એકજ દિવસમાં ૧૭ર નવા કેસની એન્ટ્રી થઇ હતી. ર૪ કલાકમાં ૭ કોવીડ દર્દી ચિર નિંદ્રામાં પોઢી ગયા હતાં. જેમાં જૂનાગઢ સીટીનાં ત્રણ તેમજ જુનાગઢ તથા ભેંસાણનાં એક-એક અને માંગરોળનાં બે કોરોના દર્દીને કાળનું તેડુ આવી ગયુ હતું.

આમ સોમવારની સરખામણીએ ગઇકાલે મૃત્યુઆંક ઘટયો હતો પરંતુ નવા દર્દીની સંખ્યા વધતા આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાનો ડેઇલી કોવીડ દર્દીનો આંક ૪૦૦ થઇ જવાની શકયતા નકારી શકાતી નથી.

મંગળવારે નવા ૩પ૦ કેસની સામે ર૧૯ દર્દી સ્વસ્થ થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

(11:13 am IST)