સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

તલાલામાં પ્રખ્યાત કેસર કેરીની હરાજીનો પ્રારંભ : પ્રથમ દિવસે 7000 બોક્સની આવક

10 કિલો કેરીનો રૂ.300થી રૂ.700 ભાવ ખેડૂતોને મળ્યો: ગોંડલ યાર્ડમાં 800થી 1200નો ભાવ બોલાયો : ગયા વર્ષ કરતા પાક ઓછો

તાલાલા : કેસર કેરી ખાવાના શોખીનો માટે સારા સમાચાર છે. ગીરસોમનાથના તાલાલામાં કપરાકાળ વચ્ચે ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઇ ગયો છે અને તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન દ્વારા હરાજી શરૂ કરાવવામાં આવી.

હરાજીના પ્રથમ દિવસે તલાલા માર્કેટિંગ યાર્ડમાં 5 થી 7 હજાર બોક્સની આવક નોંધાઇ અને 10 કિલો કેરીનો રૂ.300થી રૂ.700 ભાવ ખેડૂતોને મળ્યો જોકે એક્સપોર્ટની કમી અને મોટા શહેરોની સ્થિતિ જોતા ચાલુ વર્ષે કેરીનો ભાવ સામાન્યથી ઓછો રહે તેવી શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે.

સતત પ્રતિકૂળ વાતાવરણ અને કોરોના મહામારી વચ્ચે કેરીના ખેડૂતોની ચિંતા વધી છે. કેસર કેરીનો પાક છેલ્લા પાંચેક વર્ષથી ઘટી રહ્યો છે. ત્યારે આ વખતે પણ ગયા વર્ષ કરતા પાક ઓછો થયો છે. માત્ર 30થી 40 ટકા જ કેસર કેરી બચી છે. ચાલુ વર્ષે ખૂબ સારુ ફ્લાવરીંગ આવેલું હોવાથી ભારે માત્રામાં કેસર કેરી બજારમાં આવવાના સંજોગો હતા, પરંતુ પવન અને ઝાકળના કારણે 60 થી 70 ટકા કેરી ખરી પડી છે અને માત્ર 30થી 40 ટકા કેરી જ બચી છે તેનો પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, ત્યારે ખેડૂતોને જે કેરી બચી છે, તેના વેચાણ અને સારા ભાવની આશા રાખી રહ્યા છે.

 રાજકોટના ગોંડલમાં કેસર કેરીનું આગમન થયું છે. ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટમાં 1 સપ્તાહ પહેલા ફળોની રાણી કેસર કરી બજારમાં આવી છે. માર્કેટ યાર્ડમાં કંટાળા, જસાધાર, ઉના, તલાલા સહિતના પંથકમાં કેસર કેરીની આવક થઈ રહી છે. સીઝનની શરૂઆત થતા જ 1200 થી 1500 બોક્સની ખરીદી વેપારીઓ કરી રહ્યા છે. કેરીની હરાજીમાં 10 કિલો બોક્સનો ભાવ રૂપિયા 800 થી લઈને 1200 સુધી બોલાતા ખેડૂતોને સારી આવક થઈ રહી છે તો બીજી તરફ વેપારી વર્ગનું કહેવું છે કે કેરીનું આગમન વહેલા થતા લાંબા સમય સુધી મીઠી કેસર કેરી બજારમાં જોવા મળી શકે છે.

(10:07 am IST)