સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

કચ્છમાં કોરોનાની સારવારમાં બૂમરાણ : ભુજમાં દલિત અધિકાર મંચના ધરણા

આજે મુખ્યમંત્રીના પૂતળાનું દહન, મંત્રીઓના વાયદા અને તંત્રની અણઆવડત વચ્ચે હજીયે સારવારનું ઠેકાણું પડતું નથી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૫:  કચ્છમાં કોરોનાની સારવાર બાબતે રહેલી અધુરાશોને કારણે દર્દીઓ માટે તબીબી સુવિધાની મુશ્કેલી અને મોતનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે.

જોકે, સરકારમાં કચ્છના પ્રતિનિધિ એવા રાજયમંત્રી વાસણભાઈ આહીરે તાજેતરમાંજ કલેકટર તંત્રની સાથે મળીને યોજેલી પત્રકાર પરિષદમાં સારવાર બાબતે તમામ અધુરાશો દૂર થવાનો દાવો કર્યો હતો. પરંતુ, કચ્છ કોંગ્રેસ, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ અને હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે કચ્છ જિલ્લામાં કોરોનાના દર્દીઓને સારવારમાં પડતી મુશ્કેલી અને મોતની વધતી સંખ્યા અંગે ફરિયાદ કરી છે. ભુજ મઘ્યે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કોરોના સારવારની અધૂરાશો બાબતે ખૂબ જ ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીએ ભુજની સમરસ હોસ્ટેલમાં ઊભા કરાયેલ કોવીડ કેર સેન્ટરમાં ૧૦ વેન્ટિલેટર ધૂળ ખાતા પડ્યા હોવાનો, બાય પેપમાં પૂરતો ઓકિસજન ફ્લો ન અપાતો હોવાનો અને રેમડેસિવિર ઈન્જેકશનમાં એકથી વધુ દર્દીને ડોઝ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે.

તો, સુવિધાના અભાવે દર્દીઓને ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં ચાલ્યા જવાનું કહી સારવારના મોટા ખર્ચમાં ઉતારી દેવાનું કૌભાંડ ચલાવાતું હોવાનો આક્ષેપ કર્યો છે. આ તમામ મુદ્દે ગઇકાલે ધરણાં કરાયા ત્યારે તમામ કાર્યકરોની ધરપકડ કરી તેમની સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

જોકે, કચ્છમાં ૨૦૦૦ અને ૩૦૦૦ બેડની હોસ્પિટલો ચાલુ કરવાની જાહેરાતો વચ્ચે કોઈ પણ સુવિધા ઊભી ન કરાતાં સારવારના અભાવે દર્દીઓના મોત વધ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ સંદર્ભે ભુજની જી.કે. જનરલ કોવિડ હોસ્પિટલ સામે અચોક્કસ મુદતના ધરણાં સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દલિત અધિકાર મંચ વતી નરેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે, ભુજમાં કોઈ પણ વિસ્તારમાં મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરાશે. કચ્છમાં કોરોના સારવાર અંગે વહીવટીતંત્ર પણ ઉણું ઊતરી રહ્યું છે એ અંગે લોકોમાં લાંબા સમયથી ચર્ચા છે. મંત્રીઓની જાહેરાતો અને સારવારની વાસ્તવિક પરિસ્થિતિ દયનીય છે.

(11:12 am IST)