સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ભુજમાં ઠેર ઠેર ગટરના પાણીઃ રખડતા ઢોર અને ખાડાઓ અંગે સુધરાઈ સામે ફોજદારી ફરિયાદની માંગ સાથે કોંગ્રેસનો આકમક વિરોધ

ભુજ,તા.૫: ભુજમાં ખાડે ગયેલી લોક સુવિધાઓને મુદ્દે વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ વિરુદ્ઘ આક્રમક મોરચો માંડ્યો છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના નગરસેવકોએ ભુજમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ સંદર્ભે ખાડા પૂજન કરી ભ્રષ્ટાચારમાંથી ભાજપને સદબુદ્ઘિ મળે તેવી પ્રાર્થના કરી હતી. સાથે સાથે રોડના ખાડાઓ પુરવા માંગ કરી હતી. વરસાદ દરમ્યાન ભુજમાં વહેતી ગટરોને કારણે શહેરની અનેક સોસાયટીઓ ઉપરાંત ભુજની મુખ્ય બજાર વણીયાવાડમાં ઠેર ઠેર વહેતા ગટરના પાણીના પુરથી લોકો ત્રસ્ત થાય છે. વરસાદ રહી ગયા પછી પણ બજારોમાં ગટર ગંગા સતત વહેતી રહે છે.

ભુજ શહેરમાં ચારે તરફ રખડતા ઢોરની સમસ્યા વકરી છે. એવી સ્થિતિ વચ્ચે ભુજમાં રોગચાળો વકરે તેવી ભીતિ હોઈ વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો વતી રાજેન્દ્રસિંહ જાડેજાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે મ્યુનિસિપલ એકટ હેઠળ લોકોની આરોગ્ય સુખાકારી જોખમમાં મુકવા સહિતના વિવિધ મુદ્દે મ્યુનિસિપલ એકટ હેઠળ ભુજ પાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, ચીફ ઓફિસર, ઉપરાંત અન્ય જવાબદારો વિરુદ્ઘ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અરજી આપી છે.

જોકે, ભુજ પાલિક માટે દર વર્ષે ફાળવતી કરોડોની ગ્રાન્ટ કયાં જાય છે એ ચર્ચા લોકોમાં થઈ રહી છે.ખરેખર વાસ્તવિકતા એ છે કે, ભુજ પાલિકા માટેની કરોડોની સરકારી ગ્રાન્ટથી પ્રજાના કામો થતા નથી પણ ભાજપના શાસકોના દ્યર ભરાઈ રહ્યા છે.

(11:42 am IST)