સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ : ૨૪ કલાક ઘરે બેઠા આરોગ્ય સુવિધાઓ

જામનગરઃશહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા સ્પેશ્યલ ચેક અપ માટેની રિક્ષાઓને લીલી ઝંડી આપી વિવિધ વોર્ડમાં કાર્યરત કરવામાં આવી છે, જેના દ્વારા જે દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે અને હોમઆઇસોલેશનમાં રહેલા છે તેમના રેગ્યુલર ચેકઅપ કરી તેમના આરોગ્યની સતત દરકાર લેવામાં આવશે.તો હાલમાં જ જામનગરમાં ૭ સંજીવની રથનો શુભારંભ સ્ટેંડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, શાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, કમિશ્નર સતિષ પટેલ અને ચીફ ફાયર ઓફિસર બિશ્નોઇના હસ્તે કરવામાં આવેલ છે. કોરોનાના આ કાળમાં જામનગરના લોકોને હવે ૨૪ કલાક ઘરબેઠા મેડીકલ સારવાર મળી રહેશે, રાજયકક્ષાએ જેમ ૧૦૪ હેલ્પલાઇન દ્વારા લોકોને ઘરબેઠા શરદી, ઉધરસ કે તાવ જણાય તો કોલ દ્વારા તેઓ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવે છે તે જ પ્રકારે જામનગરના કોઇ પણ વ્યકિત આ સંજીવની રથ દ્વારા મો.નં ૯૫૧૨૦૨૩૪૩૧ અને ૯૫૧૨૦૨૩૪૩૨ અથવા ૧૦૪ હેલ્પલાઇન પર કોલ કરી પોતાના ઘરે આરોગ્યની સુવિધાઓ મેળવી શકશે.  આ તકે, શહેર વિસ્તારના કોઇ પણ નાગરિક આ નંબરો પર સંપર્ક કરી આરોગ્યલક્ષી સારવાર ઘરે મેળવી શકશે, આ માટે મહાનગરપાલિકા ખાતે ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે. જયાં સંપર્ક કરતાં જ દર્દીને ૧ કલાકમાં તેમના ઘરઆંગણે મેડીકલ ટીમ દ્વારા તબીબી સેવા આપવામાં આવશે તેમ કમિશનરશ્રી સતિષ પટેલએ જણાવ્યું હતું.

(11:25 am IST)