જસદણ નવા ચીફ ઓફીસર તરીકે ચારૂબેન મોરીની નિમણૂક
(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. પ :.. નગરપાલીકામાં હવે મહિલા ચીફ ઓફીસર તરીકે ચારૂબેન મોરી એક બે દિવસમાં ચાર્જ સંભાળશે લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફીસરથી ગાડું ગબડતું હતું ત્યારે ધોરાજીથી ચારૂંબેન મોરીને જસદણ મુકવામાં આવતાં તેમને ધારાસભ્ય કુંવરજીભાઇ મોહનભાઇ બાવળીયા, પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ ખોડાભાઇ બોઘરા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનીતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયા, પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઇ હીરપરા, અને જસદણ જીઆઇડીસી એસો. તેમજ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઇ જેન્તીભાઇ રાઠોડએ આવકારેલ હતા ચારૂંબેનએ અગાઉ જાફરાબાદમાં બેનમૂન કામગીરી કરી હતી ત્યારબાદ ધોરાજીમાં પણ નગરપાલીકાના ચીફ ઓફીસર તરીકે અસરકારક કામગીરી સુપેરે નિભાવી હતી.લાંબા સમય બાદ કાયમી ધોરણે ચીફ ઓફીસર મળી જતા નગરજનોમાં રાજીપો વ્યકત થઇ રહ્યો છે.દરમિયાન જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેનએ જણાવ્યું હતું કે જસદણ શહેરમાં ભાજપ સરકારની મહેરબાની થકી અવિરત વિકાસના કાર્યોને જબરજસ્ત વેગ મળ્યો છે. હવે ટુંકા ગાળામાં શહેરને નગરપાલિકાને પોતાની અલાયદી અદ્યતન કચેરી મળશે આ અંગે તજવીજ ચાલુ છે દરેક વિકાસના કામોમાં નગરપાલિકાના દરેક ચૂંટાયેલા સદસ્યોનો સહકાર મળી રહ્યો છે.