સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th April 2021

જુનાગઢમાં હવે બાળકોમાં પણ કોરોનાનો પગપેસારોઃ એસબીઆઇનાં મેનેજર-કર્મચારી પણ સંક્રમીત

ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપભેર પ્રસરતો કોરોનાઃ સોરઠમાં વધુ ૪ર વ્યકિતનો પોઝીટીવ રીપોર્ટ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૬ : કોરોનાએ આતંક મચાવવાનું શરૂ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જુનાગઢ શહેરમાં હવે બાળકોમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. એસબીઆઇના મેનેજર અને કર્મચારી પણ સંક્રમીત થતા બેંકમાં કોરોનાએ ફુંફાડો માર્યો છે.

બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ઝડપભેર પ્રસરતા સોરઠમાં વધુ ૪ર વ્યકિતનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.

સોરઠ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના બેકાબુ બન્યો છે. કોરોનાએ હવે ઇશ્વરના રૂપ સમાન બાળકોને પણ પોતાની નાગચુડમાં લેવાનું શરૂ કરેલ છે.

જુનાગઢનો એક પરીવાર તાજેતરમાં લગ્ન પ્રસંગે ગયો હતો. જયાં ૪ર વ્યકિત સાગમટે સંક્રમીત થયેલ. જેમાં આ પરીવારની મહીલા પણ કોરોનાની ઝપટે આવી ગયેલ સાથે આ મહીલાના ૪ વર્ષના પુત્રની તબીયત લથડતા તેનો ટેસ્ટ કરાવવામાં આવતા આ માસુમ બાળકનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો.

હાલ માતા-પુત્ર કવોરન્ટાઇન છે. પરંતુ કોરોનાએ બાળકોને પણ સંક્રમીત કરવાનું શરૂ કરતા માતા-પિતા અને વાલીઓમાં ચિંતામાં મુકાઇ ગયા છે.

બીજી તરફ જુનાગઢમાં સર્કલ ચોક સ્થિત એસબીઆઇના મેનેજર અને બેંક કર્મચારી પણ સંક્રમીત થયા હોવાનું જાણવા મળેલ છે.

સોરઠમાં સોમવારે વધુ ૪ર કોરોના કેસ નોંધાયા છતા જેમાં જુનાગઢ જીલ્લામાં ૩ર નવા કેસનો સમાવેશ થાય છે. આમા જુનાગઢ શહેરનાં ૧૮ કેસ તેમજ જુનાગઢ ગ્રામ્ય અને માણાવદરનાં બે-બે કેસ છે. સોમવારે કેશોદ તાલુકામાં ૪ નવા કેસની એન્ટ્રી થયેલ. વંથલી તેમજ વિસાવદર તાલુકાની વધુ ત્રણ-ત્રણ વ્યકિત સંક્રમીત થઇ હોવાનું તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે.

જો કે જુનાગઢ જીલ્લાના ૧૩ દર્દી સ્વસ્થ પણ થયા હતા.

સોરઠના કુલ ૪ર નવા કેસમાં ગીર સોમનાથ જીલ્લાના ૧૦ કેસનો પણ સમાવેશ થાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ શરૂ થયો છે. વંથલીના ટીકર બાદ સાંતલપુર ગામમાં એક સાથે ૧૪ વ્યકિત સંક્રમીત થઇ હોવાનું જાણવા મળેલ છે.

વંથલી નજીકના ધંધુકા ગામે પણ કોરોનાના ૧ર કેસ થયા હોવાની માહીતી છે.

આમ સોરઠના ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપભેર કોરોના પ્રસરવા લાગતા ગામડાઓમાં સ્વૈચ્છીક લોકડાઉન શરૂ કરવામાં આવેલ છે.

જુનાગઢ જિલ્લામાં રસીકરણની કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવી છે. જુનાગઢ શહેરનાં ૧ર ટકા લોકો કોરોના પ્રતિરોધક રસી લઇ ચુકયા છે.

(1:14 pm IST)