સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th May 2021

ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ વાંકાનેર અને કુવાડવાની હોસ્પિટલમાં ૨૦ -૨૦ લાખની ગ્રાન્ટ ફાળવી

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૬: વાંકાનેર -કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ જીલ્લા આયોજન અધિકારીશ્રીને પત્ર પાઠવી વર્તમાન અને કુવાડવાની સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટર મશીન અને ઓકિસજન કોન્સન્ટ્રેટર માટે પોતાની ગ્રાન્ટમાંથી ૨૦-૨૦ લાખ મળી ૪૦ લાખની ગ્રાન્ટ ફાળવી પ્રસન્નીય કાર્ય કર્યું છે.

વર્તમાન સમયમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુદર ખુબ વધ્યો છે. અને તેમા મુખ્ય કારણમાં વેન્ટીલેટર અને ઓકિસજન નહીં મળવાથી અનેક પરિવારના લોકો ના મોત થયા છે. આ વાતથી અત્યંત દુખી એવા ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદાએ પોતાને વિકાસના કામો માટે સરકારશ્રીમાંથી મળતી ગ્રાન્ટમાં આ વર્ષમાં વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રાન્ટમાંથી ૨૦ લાખ વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ૨૦ લાખ કુવાડવાની સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર અને ઓકિસજન માટે ગ્રાન્ટ ફાળવવા જીલ્લા આયોજન અધિકારીને પત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવા અને મજુર થઇ જાણ કરવા જણાવાયું છે.

ધારાસભ્યશ્રી પીરઝાદાએ જણાવેલ કે કોરોનાની બજી લહેરની ગતિ ઘણી તેજ રહી છે. અને લોકો કોરોનાની આ લહેર ખૂબ ભોગવતા જોવા મળ્યા છે. કોરોનાની તેજ ગતિથી હોસ્પિટલો ફૂલ થઇ ગઇ ઉપરાંત ઓકિસજનના બાટલાઓ અને વેન્ટીલેટરની સુવિધાઓ નહી મળતા બીજી લહેરમાં મૃત્યુદર વધ્યો છે.

એક તરફ સ્વૈચ્છીક લોકડાઉનને પગલે બપોર બાદ પોણા ભાગના ધંધાર્થીઓ બંધ પાળી કોરોનાથી બચવા સ્વયંભૂ પ્રયાસો કરે છે. આ મહામારીમાંથી લોકોને બચાવવા શહેરમાં ધાર્મિક અને શૈક્ષણીક સસ્થાઓ તથા સેવાભાવી સંગઠનો દ્વારા બનતા પ્રયાસો થઇ રહ્યા છે. બે કોવિડ સેન્ટરો શરૂ કરી ઘણા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે જે કાર્ય બિરદાવાને લાયક છે.

ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ ગત વર્ષ પણ વર્ષ ૨૦-૨૧ની ગ્રાન્ટમાંથી ૧૦ લાખ વાંકાનેર અને ૫ લાખ કુવાડવા આમ કુલ ૧૫ લાખ રૂપિયા સરકારી હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ખરીદવા માટે પંદર લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જ્યારે આ વર્ષ વેન્ટીલેટર અને ઓકિસજન કોન્સન્ટ્રેટર માટેની જરૂરત વધુ જણાતી હોય માટે વર્ષ ૨૦૨૧-૨૨ની પોતાની ગ્રાન્ટમાંથી વાંકાનેર -કુવાડવાની હોસ્પિટલને ૨૦-૨૦ લાખ ફાળવવા આયોજન અધિકારીને લેખીત જાણ કરી છે.

(10:27 am IST)