સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ભાણવડ પંથકની ૮ વર્ષની સગીરા ઉપરના દુષ્‍કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા ફરમાવતી ખંભાળીયા કોર્ટ

ખંભાળીયા,તા. ૬ : ભાણવડની આઠ વર્ષની બાળા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૨,૦૦૦ નો દંડ ખંભાળીયા સ્‍પે. પોકસો કોર્ટે ફરમાવી હતી.

આ કેસની હકકીત એવી છે કે આ કામનો આરોપી સંદિપ રવજીભાઇ શીંગળીયા રે પાસ્‍તર જે ફરીયાદીના સસરાનો દૂરનો સંબંધી થતો હોય અને ભાણવડ ખાતે દુકાન ધરાવતો હોય અને ફરીયાદીના સસરાના મકાનની સામે આરોપીની દુકાન આવેલ હોય અને ફરીયાદીના કુટુંબનો દૂરનો સંબંધી હોય અવાર નવાર ફરીયાદીના સસરાના ઘરે આવતા જતા હોય આ દરમિયાન ભોગ બનનાર તેમના દાદાના ઘરે આવેલ હોય તે દરમિયાન ભોગ બનનાર બાળાને બીસ્‍ટીક વિગેરેની લાલચ આપી અને તેમની દુકાને લઇ જઇ દુકાનની પાછળ આવેલ જગ્‍યામાં ભોગ બનનાર બાળાની જાતીય સતામણી કરી અડપલા કરી બાળા સાથે દુષ્‍કર્મ આચરેલ.

ત્‍યારબાદ ફરી વખત આરોપી ફરીયાદીના રહેણાંક મકાને આવેલ હોય તે દરમિયાન છત ઉપર રૂમ આવેલ હોય જે રૂમમાં બાળા સાથે શારીરીક અડપલા કરી બીજી વખત દુષ્‍કર્મ આચરેલ તથા કોઇને કઇશ તો મારી નાંખવાની ધમકી આપેલ ત્‍યારબાદ આરોપી દુષ્‍કર્મ આચરેલની હકીકત જણાવેલ જેથી ભોગ બનનારના માતાએ ભાણવડ પો.સ્‍ટે.ના તારીખ ૧/૫/૨૦૨૦ના વિગતવારની ફરીયાદ લખાવેલ.

આ ભાણવડ પો.સ્‍ટે.ના આરોપી વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૩), તથા પોકસો એકટની કલમ ૩ (એ), ૪,૫,૬,૮,૯ વી.હેઠળનો ગુનો નોંધી આરોપી તથા ભોગ બનનારની મેડીકલ તપાસણી કરાવી ગુનાને લગત પુરાવો એકત્ર કરી ચાર્જશીટ કરેલ. સ્‍પે. પોકસો કોર્ટ ખંભાળીયાનાઓએ સ્‍પે.પોકસો કેસ નં. ૯/૨૦૨૦ ચાલવા ઉપર આવેલ જેમાં ફરીયાદી ભોગ બનનાર મેડીકલ ઓફીસરશ્રીની જુબાની એફ.એસ.એલનો રીપોર્ટ તેમજ સરકાર પક્ષે મુખ્‍ય જીલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર.ચાવડાની દલીલો ધ્‍યાને લઇ મે. ખંભાળીયાની સ્‍પે.પોકસો કોર્ટે આરોપી સંદિપ રવજી શીંગળીયાને તકસીરવાન ઠરાવી આઇ.પી.સી. કલમ ૩૬૩માં ૨ વર્ષની સજા, ૩૬૬માં ૫ વર્ષની સખત કેદની સજા અને દંડ તથા આઇ.પી.સી. કલમ ૫૦૬ (૨) હેઠઇ ૩ વર્ષની સખત કેદની સજા અને આઇ.પી.સીી કલમ ૩૭૬ (૩), ૩૭૬ (એ,બી)માં તકસીરવાન ઠરાવી અને પોકસો એકટની કલમો હેઠળ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૨,૦૦૦ નો દંડ ભરવા હુકમ ફરમાવેલ છે. તેમજ ભોગ બનનારની ઉમર બનાવ સમયે સાડા આઠ વર્ષની હતી અને તેણી દુષ્‍કર્મનો ભોગ બનેલ તેથી તેના સામાજીક, આર્થિક, માનસીક, પુનસવર્સન માટે ભોગ બનનારને વીટનેસ કમ્‍પનશેસન સ્‍કીમ હેઠળ રૂા. ૫,૦૦,૦૦૦નું વળતર ચુકવવા અદાલતે હુકમ કરેલ છે. 

(11:15 am IST)