સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

રવિવારે ભૂપેન્‍દ્રભાઇ પટેલ જસદણમાં

ચેકડેમ અને સરકારી શાળાનું ભૂમિપૂજન : માંગણી સંતોષાતા લોકોમાં આનંદની લાગણી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૬ : જસદણ પાસે આવેલા શ્રી ઘેલા સોમનાથ પાસે ડેમ બનાવવાના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્‍યના મુખ્‍યમંત્રી આગામી તા. ૧૦ના રોજ આવવાના હોય તંત્ર દ્વારા અને સ્‍થાનિક ભાજપ દ્વારા તૈયારીઓ ચાલુ કરી દીધી છે.

જસદણના ગોડલાધાર તેમજ સોમપીપળીયા ગામની સીમમાં ડેમ બનાવવાની આ વિસ્‍તારના લોકોની વર્ષો જુની માંગણી હતી પરંતુ યોગ્‍ય ઉકેલ આવતો નહોતો. ચુંટણીઓ આવે ત્‍યારે પંથકના લોકો ડેમની માંગણી કરે અને રાજકીય આગેવાનો વર્ષોથી આશ્વાસન જ આપતા હતા.

વર્ષોથી લોકોની વ્‍યાજબી અને પડતર માંગણીનો ઉકેલ ન આવતો હોય આ વિસ્‍તારના કર્મઠ અને સેવાના ભેખધારી પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયાએ રાજ્‍ય સરકારમાં ધારદાર રજુઆત કરી આ ડેમ મંજુર કરાવ્‍યો છે.

આગામી તા. ૧૦ના રોજ બપોરે ૩ કલાકે આ ડેમનું ભૂમિપૂજન રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે રાખવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે રાજ્‍યના સિંચાઇ મંત્રી ઋષીકેશભાઇ પટેલ, શિક્ષણ મંત્રી અને જિલ્લાના પ્રભારી જીતુભાઇ વાઘાણી, જિલ્લા ભાજપના હોદ્દેદારો, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, જિલ્લાના ધારાસભ્‍યો તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહેશે.

ડેમના ભૂમિ પૂજનની સાથોસાથ ગોડલાધાર ગામમાં સવા ત્રણ કરોડના ખર્ચે બનનાર સરકારી માધ્‍યમિક શાળાનું પણ ભૂમિપૂજન રાખવામાં આવ્‍યું છે.

ડેમની વર્ષો જુની પડતર માંગણી ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયાના પ્રયાસોથી હલ થતાં આ પંથકના લોકો દ્વારા કુંવરજીભાઇ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

આ પ્રસંગને સફળ બનાવવા જસદણ વિંછીયા તાલુકા ભાજપ સંગઠન, ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

(11:34 am IST)