સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

મેઘ મલ્‍હારથી દ્વારકાના બે ડેમો ગઢકી અને સીંધણીમાં ૧૮-૧૮ ફુટ નવા પાણી ઠલવાયા : શેઢા ભાડથરીમાં ૬ ફૂટ

રાજકોટ જિલ્લાના ૫ ડેમમાં ૦ાા થી ૨ ફૂટ નવુ પાણી આવ્‍યું : જામનગરના ઉંડ-૨માં ૮ાા ફૂટ પાણી આવ્‍યું

રાજકોટ તા. ૬ : સતત વરસાદી માહોલ અને બે દિ'થી પડી રહેલા ભારે વરસાદને કારણે દ્વારકાના સોનમતી બાદ ગઇકાલે વધુ બે ડેમોમાં ૧૮-૧૮ ફૂટ નવા પાણીથી લોકોમાં આનંદ છવાયો છે, દ્વારકાના ગઢકી ડેમમાં ૧૭.૭૨ ફૂટ નવુ પાણી આવતા જીવંત સપાટી ૭ાા ફૂટ થઇ છે, તો સીંધણીમાં ૧૭.૮૧ ફૂટ જેવું તોતીંગ પાણી આવ્‍યું પરંતુ સપાટી હાલ જીવંત બની નથી, ડેડવોટર ઢંકાયું છે, આ ડેમ ૧૧ ફૂટે છલકાય છે.

આ ઉપરાંત શેઢા ભાડથરીમાં ૬ ફૂટ પાણી આવ્‍યું હતું, જ્‍યાં સપાટી ૬ાા ફૂટ થઇ છે, ધી ડેમમાં ૧ાા ફૂટ, વેરાડી-૨માં પણ ૧ાા ફૂટ નવું પાણી આવ્‍યાનું નોંધાયું છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના વેણુ-૨, આજી-૩, ન્‍યારી-૨, લાલપરી અને કરમાળમાં ૦ાા થી ૨ ફૂટ જેવા નવા નીર આવ્‍યા છે. જ્‍યારે જામનગર જિલ્લાના ઉંડ-૨માં ૮ાા ફૂટ નવુ પાણી આવ્‍યું પણ ડેમ ખાલીખમ છે, આ પાણીથી ડેડવોટરનું તળીયુ ઢંકાયું છે. જ્‍યારે આજી-૪માં ૦.૨૬, ડાઇમીણસાર-૦.૭૨, ઉમીયાસાગર - ૦.૮૫ અને ઉંડ-૩માં ૦.૯૮નો વધારો થયો છે.

(11:34 am IST)