સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

કચ્‍છના મુન્‍દ્રા, માંડવી, અબડાસા, નખત્રાણામાં અઢીથી ચાર ઇંચ : લખપત, ગાંધીધામ, કંડલા પોણો ઇંચ : અંજાર કોરૂ : ભુજ, રાપર, ભચાઉમાં ઝરમર

ખાવડા પાસે ભેંસ ઉપર વીજળી પડતા મોત : અંજારમાં મકાન ઉપર વીજળી પડી : માંડવી પાસે તણાઇ રહેલા બાઇક ચાલકને બચાવાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : કચ્‍છમાં અષાઢ મહિને મેઘરાજા રિઝાયા છે. ખાસ કરીને દરિયાઈ પટ્ટીના મુન્‍દ્રા, માંડવી અને અબડાસા તા.માં અઢીથી ચાર ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ મ્‍હેર કરી છે. જોકે, ધોધમાર વરસાદ વરસતાં અનેક ગામોમાં નદી બે કાંઠે આવી ગઈ હતી. પાણી ભરાતાં રસ્‍તાઓ બંધ થયા હતા. પણ કોઈ મોટી નુકસાની થઈ નથી. અન્‍ય તાલુકાઓમાં લખપત, કંડલા, ગાંધીધામમાં પોણો ઇંચ વરસાદ પડ્‍યો છે. જયારે અંજાર કોરું રહ્યું છે.

ભુજમાં ઝરમર ઝરમર વરસાદ પડ્‍યો છે. જોકે, ખાવડા અને અન્‍ય ગામોમાં ઝાપટાં સાથે છૂટો છવાયો ધોધમાર વરસાદ પડ્‍યો છે. દરમ્‍યાન અંજારમાં શિવ સાગર સોસાયટીમાં મકાન ઉપર વીજળી પડતાં ઇલેક્‍ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.

જયારે ભુજ તા.ના ખાવડા પંથકમાં નાના દીનારા ગામે ઝૂંપડા ઉપર વીજળી પડતા બળી ગયું હતું. એ ઉપરાંત ભેંસ ઉપર વીજળી પડતા ભેંસનું મોત થયું હતું. મુન્‍દ્રામાં લુણી ગામે પાણી વહી નીકળતાં વાહનવ્‍યવહાર અટકી ગયો હતો. માંડવી અને કાઠડા ગામ વચ્‍ચે રસ્‍તો ધોવાયો હતો.

માંડવીમાં મોટા ભાડિયા ગામ પાસે પાપડીમાં બાઈક ચાલક તણાઈ જતાં ગામલોકોએ બચાવી લીધો હતો. રાપર, ભચાઉમાં ઝરમર ઝરમર વરસાદ પડ્‍યો છે. હજી કચ્‍છમાં વાદળછાયું વાતાવરણ હોઈ વરસાદની આશા છે. પશુપાલકો અને ખેડૂતોમાં મેઘાની મહેરનો આનંદ છે. લોકો હજી પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

(11:27 am IST)