સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ભીંજાવામાં નડતર જેવુ લાગે છે, શરીર બખ્‍તર જેવુ લાગે છે, મને કાનમાં કહયું પુરાણી છત્રીએ ‘ઉઘડી જઇએ' અવસર જેવુ લાગે છે

સૌરાષ્‍ટ્રમાં મોસમનો સૌથી ઓછો ૧ા ઇંચ વરસાદ હળવદમાં: સૌથી વધુ ૧૬ાા ઇંચ માણાવદરમાં

આજે સવારમાં સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, હાસોટ, મહુવા પંથકમાં વરસાદ તૂટી પડયોઃ ૧ થી ૪ ઇંચઃ વાદળોના ગડગડાટ

રાજકોટ, તા.,૬: ગુજરાતમાં જુલાઇના પ્રારંભથી ચોમાસુ ધીમે ધીમે જામી રહયું છે. રાજયના એક સિવાયના તમામ તાલુકાઓમાં ઓછો વધતો વરસાદ થઇ ગયો છે.  આજે સવારે ૬ થી ૮માં ૧૦ થી વધુ તાલુકાઓમાં મેઘસવારી ચાલુ હતી. અત્‍યાર સુધીનો સૌરાષ્‍ટ્રનો મોસમનો સૌથી ઓછો ૩૦ એમ.એમ. વરસાદ હળવદ તાલુકામાં અને સૌથી વધુ ૪૧૫ એમ.એમ. વરસાદ માણાવદર તાલુકામાં નોંધાયો છે.
આજે સવારે ૬ થી ૮ માં સુત્રાપાડામાં ૪ ઇંચ, વેરાવળમાં ૩ાા ઇંચ, કોડીનારમાં ૩ાા ઇંચ, ભાવનગરના મહુવામાં ૧ ઇંચ, ભરૂચના હાસોટમાં ૧ાા ઇંચ, જાફરાબાદમાં અને જુનાગઢના માંગરોળમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. અન્‍ય ૨૫ જેટલા તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ થયો છે. અનેક તાલુકાઓમાં આકાશ હજુ ગોરંભાયેલું છે. સૌરાષ્‍ટ્રનો મોસમનો સરેરાશ વરસાદ ૨૩.૧૧ ટકા થયો છે.
કચ્‍છમાં ૧૭.૮૨ ટકા, ઉતર ગુજરાતમાં ૧૩.૮૭ ટકા, મધ્‍યમાં ૧૧.૭૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૨૩.૧૧ ટકા વરસાદ નોંધાયો છે. રાજયનો સરેરાશ વરસાદ ૬ાા ઇંચ અને ટકાવારીની દ્રષ્‍ટિએ ૧૮.૬૫ થાય છે. જુનનો વરસાદ ૬૪.૨૨ ટકા હતો. જુલાઇના પ્રથમ પાંચ દિવસનો વરસાદ ૯૪.૩૭ ટકા થઇ ગયો છે. ૮ તાલુકાઓમાં ૨૦ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે.

 

(11:51 am IST)