સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

લાંબા સમય રાહ જોવડાવ્‍યા બાદ મેઘરાજાએ આખરે મોરબી પંથક પર હેત વરસાવ્‍યું

મોરબી તા. ૬ : જિલ્લામાં સાંજે લાંબા સમયની રાહ જોવડાવ્‍યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ટંકારા, વાંકાનેર અને મોરબી પંથકમાં મેઘરાજાએ પ્રેમ વરસાવ્‍યો છે. પણ હળવદ અને માળિયામાં મેઘરાજાએ વરસવામાં હજુ કંજુસાઈ કરી રહ્યા છે.

મોરબી જિલ્લામાં મંગળવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધીમાં ટંકારામાં પોણા બે, વાંકાનેરમાં સવા અને મોરબીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.

મોરબી જિલ્લામાં આજે લોકોની પ્રાર્થના સાંભળીને ખરેખર મન મુકીને વરસી પડ્‍યા હતા. મોરબી શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્‍યું છે. ટંકારા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સારો એવો વરસાદ પડ્‍યો છે.

વાંકાનેરમાં સારો વરસાદ પડતો હોવાનું જાણવા મળ્‍યું છે. માળીયા શહેરમાં હજુ છૂટો છવાયો વરસાદ પડ્‍યો છે અને પીપળીયા ચાર રસ્‍તાથી આગળના બધા જ માળીયાના ગામો વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે. જયારે હળવદ હજુ વરસાદની એન્‍ટ્રી થઈ નથી. એકદરે ઠેરઠેર પાણી ભરાયા છે. ક્‍યાંય શેરીમાં તો ક્‍યાંક ઘરમાં પાણી ઘુસી ગયાની ફરિયાદ ઉઠી છે. આ સિવાય હજુ કોઈ વરસાદથી ખાના ખરાબીના અહેવાલ મળ્‍યા નથી. મોરબી જિલ્લા વરસાદના કંટ્રોલ રૂમના જણાવ્‍યા મુજબ સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધીમાં ટંકારા ૪૦ મીમી, માળીયા ૦૪ મીમી, મોરબી ૧૮ મીમી, વાંકાનેર ૩૩ મીમી વરસાદ નોંધાયો છે.

(11:52 am IST)