સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ધુબાકા સાથે ૩ ઈંચ વરસાદમાં ભુજ પાણી પાણી: મુન્દ્રામાં દોઢ ઈંચ વરસાદ

હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ, મુન્દ્રામાં દીવાલ પડી ગઈ : જાનહાની નથી

(ભુજ) સતત બે દિવસ થયા ભારે ગરમી અને બફારા પછી આજે ભુજમાં ધુબાકા સાથે વરસાદ તુટી પડયો હતો. સવારથી જ ધોધમાર વ્હાલ વરસાવી સહેજ પોરો ખાઈ મેઘરાજા ફરી ધોધમાર વરસ્યા હતા. સવારથી અત્યારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ત્રણેક ઈંચ વરસાદ પડી ગયો હતો. વરસાદના કારણે ભુજના મોટા ભાગના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. બજારોમાં પણ પાણી વહી નીકળ્યાં હતાં. દરમ્યાન ઉપરવાસમાં સારા વરસાદના કારણે ભુજમાં મોટો બંધ શરૂ થઈ જતાં હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ થઇ ગઇ હતી. તો, મુન્દ્રાના યુવા પત્રકાર રાજ સંઘવીના જણાવ્યા પ્રમાણે મુન્દ્રા પંથકમાં પણ આજે સતત બીજા દિવસે સવારથી જ વરસાદ ચાલુ રહ્યો હતો અને જોતજોતામાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું. સતત વરસાદ વચ્ચે મુન્દ્રામાં આજે વહેલી પરોઢે એક દિવાલ ધસી પડી હતી. જાહેરમાર્ગ ઉપર ધસી પડેલી દીવાલના કારણે સદ્દભાગ્યે કોઈ નુકસાન થયું નહોતું. દરમ્યાન મુન્દ્રામાં અનેક જૂના જર્જરિત મકાન હોઈ લોકો ચિંતા અનુભવે છે.

(12:38 pm IST)