સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ગીર-સોમનાથમાં દે ધનાધનઃ સુત્રાપાડામાં ૧૨ તો કોડીનારમાં ૯ ઇંચ

મેઘરાજાનું રૌદ્ર સ્‍વરૂપઃ ગામ-ખેતરો બેટ બન્‍યાઃ નદીઓમાં ઘોડાપુરઃ ઘરોમાં પાણી ભરાયા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૬: કોડીનાર તાલુકામાં ગઇ રાત્રે મેઘરાજા એ ધમાકેદાર બેટીંગ કરતાં તાલુકાના મોટા ભાગના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અંદાજીત ૮ થી ૧૨ ઇંચ વરસાદ ખાબક્‍યા ના એહવાલો મળી રહ્યા છે. કોડીનાર શહેર અને તાલુકાના ગીર જંગલના નજીકના ગ્રામ્‍ય વિસ્‍તારો, ઘાટવડ, જામવાળા, છાછર, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાલા, ગીર દેવળી, વાલાદર, સાંઢણીધાર, અરણેજ,ફાચારિયા, પેઢાવાળા સહિતના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગઇ રાત્રે ૧૦ વાગ્‍યાથી ધોધમાર વરસાદ શરૂ થતા આ લખાય છે ત્‍યાં સુધીમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્‍યો હતો. જેમાં સુત્રાપાડામાં ૧૨ ઇંચ અને કોડીનારમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. અનેક ખેતરોમાં પાણી ફરતા અને ખેતરાવ પાણી નદીમાં આવતા શિંગોડા નદી અને સોમત નદી સજીવન બની હતી.તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે વરસાદ ના કારણે કોડીનાર - વેરાવળ હાઇવે પર પેઢાવાડા પર સોમત નદીમાં ભારે ખેતરાવ પાણી આવતા અને નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે વાહન વ્‍યવહાર ઠપ્‍પ થયો હતો. મૌસમનો કુલ વરસાદ ૩૪૧ મી.મી.૧૪ ઇંચ નોંધાયો છે, તેમજ કોડીનાર શહેરમાં આજે સતત બીજાદિવસે મેઘરાજા એ વ્‍હાલ વરસાવતા વધુ ૧૦ ઇંચ વરસાદ પડતા ગરમીમાં રાહત મળી છે.

ગીર સોમનાથના અહેવાલ મુજબ આગાહી વચ્‍ચે ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્‍ટ્રી થઈ છે. છેલ્લાં ૨૪ કલાકમાં વરસેલા ભારે વરસાદ બાદ બે જિલ્લા પાણીમાં ગરકાવ થયા છે. દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી ગયો છે. ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્‍થિતિ છે. રાત્રિ દરમિયાન ખાબકેલા ૧૦ ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયુ છે. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. હજી પણ વરસાદ અવિરતપણે ચાલુ જ છે.

કોડીનાર સુત્રાપાડા એક જ રાતમાં ખાબકેલા ૧૦ ઈંચ વરાસદ બાદઆભ ફાટવા જેવી સ્‍થિતિ જોવા મળી છે. માત્ર સૂત્રાપાડામાં રાત્રિદરમ્‍યાન ૧૦ ઇંચ સુધીનો વરસાદ ખાબક્‍યો છે. જેમાં કારણે આસપાસના તમામગામડાઓ રસતરબોળ થયા છે.અનેક ગામોમાં પાણી ભરાયા છે.સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં ગોઠણ સમાં પાણી ભરાયાં છે. અહીંનીશેરીઓ નદી જેવી વહી રહી છે. આ કારણેલોકો ઘરમાં રહેવા મજબૂર બન્‍યા છે.

ગીર સોમનાથમાં ભારે વરસાદની સૌથી વધુ અસર દરિયા કાંઠાના ગામોને થઈ છે. અનેક ગામોમાં પાણી ભરાયાં છે. લોકોનું ઘરની બહાર નીકળવુ મુશ્‍કેલ બન્‍યુ છે. તો આજે સવારે ઓફિસ જવા નીકળેલા રાહદારીઓ તથા સ્‍કૂલે જવા નીકળેલા વિદ્યાર્થીઓને મોટી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોડીનારનું માલશ્રમ ગામ પાણી પાણી થઈ ગયુ છે. રસ્‍તાઓ પર નદી જેવા દ્રશ્‍યો સર્જાયા છે.

ભારે વરસાદને પગલે વેરાવળ કોડીનાર નેશનલ હાઇવેનો વાહન વ્‍યવહાર ખોરવાયો છે. મોરડીયા પેઢાવાળા વચ્‍ચે અપાયેલું ડાયવર્ઝન પણ પાણીમાં ગરકાવ થયુ છે. ભારે વરસાદ બાદ નેશનલ હાઇવે ઓથરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. જૂનો પુલ તોડી નાખ્‍યો નવો પુલ સમયસર પૂર્ણ ના કરાયો. જેથી સોમત નદીમાં પુર આવતા ડાયવર્ઝન નદીમાં ફેરવાયું છે. બંને તરફનો વાહન વ્‍યવહાર આ કારણે અટકી ગયો છે. રાહદારીઓ જોખમી રીતે પુલ પસાર કરવા મજબૂર બન્‍યા છે. આવામાં જોખમી રીતે પુલ પરથી પસાર થતા રાહદારીઓનો વીડિયો સામે આવ્‍યો છે. પુલની પેલે પાર જવા માટે મોટું જોખમ રહેલુ છે, છતા લોકો આવામાં નીકળવામાં મજબૂર બન્‍યા છે. નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે.

(3:45 pm IST)