સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

જામનગરમાંથી બે તોડબાજ પત્રકારો ઝડપાયા

નિર્દોષ યુગલોના વિડીયો ઉતારી સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરી દેશુ : તેવો ભય બતાવી તોડ કરતાં : પ્રવિણ પરમાર અને પ્રકાશ ચાવડા પાસેથી હોમગાર્ડ અને પત્રકારના એકસપાયર્ડ થયેલા આઇકાર્ડ, આંબેડકર દર્પણ લખેલું માઇક પણ મળ્‍યું : પોલીસે તપાસ હાથ ધરી

તસ્‍વીરમાં પત્રકાર તરીકે ઓળખ આપી જામનગર જિલ્લાના ફરવા લાયક સ્‍થળોએ ફરવા ગયેલા યુગલોના વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી પત્રકારોના મુદત પૂરી થયેલા આઈકાર્ડ દેખાડી તોડ કરતા પ્રવીણ પરમાર અને પ્રકાશ ચાવડા નામના બે શખ્‍સને જામનગરની પોલીસે દબોચી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે (તસ્‍વીર : કિંજલ કારસરીયા જામનગર)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા. ૬ : બે નકલી તોડબાજ પત્રકારોને પોલીસે ઝડપી લીધા છે. પ્રવિણ પરમાર અને પ્રકાશ ચાવડા નામના આ બન્ને શખ્‍સો નિર્દોષ યુગલોના વિડીયો ઉતારી સોશ્‍યલ મીડિયામાં વાઇરલ કરવાનો ડર બતાવી તોડ કરતા હોવાનું માલુમ પડતા પોલીસે આ બન્નેને ઝડપી લીધા હતા.

આ અંગેની વિગતો મુજબ લાખાબાવળ જામનગર પાસે ઓનલાઇન વિડીયો વાઇરલ કરવાનો ભય બતાવી બ્‍લેકમેઇલ કરાવનો બનાવ બનેલ હોય તે અનુસંધાને જામનગર સાયબર ક્રાઇમ પો. સ્‍ટે.માં ૩૮૪, ૩૮પ, પ૦૪, ૧ર૦ (બ) મુજબનો ગુન્‍હો દાખલ થયેલ હોય જેમાં આરોપીઓ દ્વારા પોતાની ઓળખ પત્રકાર તરીકેની આપી ફરીયાદી તેમજ તેની મહિલા મિત્રનો વિડીયો ઉતારીને વિડીયો વાયરલ કરી  સામાજિક બદનામ કરવાની ધમકી આપી વિડીયો વાયરલ ન કરવા સારુ ફરીયાદી પાસે દોઢ લાખ રૂપિયાની માંગણી કરેલ બાદમાં ફરીયાદી પાસેથી ઓનલાઇન ગુગલ પેના માધ્‍યમથી ર૦ હજાર રૂપિયા પડાવેલ.

આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા જામ શહેર વિભાગ જામનગર નાઓના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમના પો.ઇન્‍સ. શ્રીનાઓએ સાયબર ક્રાઇમ સ્‍ટાફની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં રહેલ દરમ્‍યાન સાયબર ક્રાઇમ પો. સ્‍ટે. ના હે. કો.ના. કુલદીપસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી મળતા ફરીયાદ મુજબના બે ઇસમો લાલપુર બાયપાસ ચોકડી નજીક જયુપીયર વાહન સાથે હોય પંબચી ડી.વી. પો. સ્‍ટે. ના હે. કો. નિર્મલસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓની મદદથી સાયબર ક્રાઇમ પો. સ્‍ટે. ના હે. કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. ધર્મેશભાઇ લાનાણી દ્વારા પકડી પાડી ગુન્‍હો ડિટેકટ કરી પો. ઇન્‍સ. પી.પી. ઝા દ્વારા હસ્‍તગત કરી આગળની તપાસ ચાલુ છે.

પકડાયેલ આરોપીઓની વિગત આ મુજબ છે.

આરોપી નં. (૧) પ્રવિણભાઇ કરશનભાઇ પરમાર, અભ્‍યાસ-ધોરણ ૯ ધંધો પત્રકાર, રહે. આંબેડકરવાસ, ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા ઉપરોકત આરોપીનો આ પ્રકારનો બીજો ગુનો છે. આરોપી વિરૂધ્‍ધ જામખંભાળીયા પો. સ્‍ટે. ખાતેથી આજ પ્રકારના એમ. ઓ. થી કરવામાં આવેલ ગુનો નોંધાયેલ છે.

આરોપી નં. (ર) પ્રકાશભાઇ વાલજીભાઇ ચાવડા, અભ્‍યાસ ધો. ૧ ધંધો પત્રકાર, રહે. મોટા માઢા, તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા કબજે કરેલ મુદામાલ ટેબલેટ ૧, મોબાઇલ ૩, પેનડ્રાઇવ-૧, એકસ્‍ટ્રા સીમકાર્ડ ર, મેમરી કાર્ડ-ર, ડેબિટ કાર્ડ-૩, અલગ અલગ ઓળખ કાર્ડ-૪, આંબેડકર દર્પણ લખેલ માઇક-૧, ટીવીએસ જયુપીટર ૧ રોકડ રકમ રૂા. ૧૯૩૦ આ કામગીરીમાં પો.ઇન્‍સ. શ્રી પી.પી.ઝા, પીએસઆઇ શ્રી એ.આર.રાવલ, તથા એએસઆઇ ડી.જે.ભુસા એએસઆઇ, સી.કે.રાઠોડ એચસી, ભગીરથસિંહ જાડેજા એચ.સી., કુલદીપસિંહ જાડેજા, પી.સી. ધર્મેશભાઇ વનાણી , પી.સી. રાજેશભાઇ પરમાર, ડબલ્‍યુપીસી રંજનાબેન વાઘ, એલઆરપીસી રાહુલભાઇ મકવાણા, એલઆરપીસી વિક્કીભાઇ  ઝાલા, એલઆરપીસી જેશાભાઇ ડાંગર, એલઆરપીસી પુજાબેન ધોળકીયા, ડબલ્‍યું  એલઆર નીલમબેન સોસોદીયા, ડબલ્‍યુ એલ. આર. ગીતાબેન હીરાણી, ડબલ્‍યુ એલઆર અલ્‍કાબેન કારમુર દ્વારા કરવામાં આવેલ છે.

(4:54 pm IST)