સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

મોરબીના લક્ષ્મીનગરમાં પ્રથમ વખત ડ્રોનથી નેનો યુરિયાનો છંટકાવ

ડ્રોનથી ઓછા ખર્ચે ખાતર અને દવાનો છંટકાવ થતો હોવાની ખેડૂતોને સમજણ અપાઈ

મોરબી : ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો થાય તે માટે ખેતીમાં હવે ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ડ્રોનથી ખાતર અને દવાનો છંટકાવ કરવા જાગૃત થાય તે માટે રાજ્યભરની સાથે મોરબીમાં પણ કૃષિ વિભાગ અને ખેતીવાડી વિભાગના નિષ્ણાતો દ્વારા મોરબીના લક્ષ્મીનગર ગામે ડ્રોનથી પ્રથમ વખત ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ડ્રોનથી ઓછા ખર્ચે અને ઝેરી અસર થયા વગર આખા ખેતરમાં લહેરાતા પાકમાં ખૂબ જ ઓછો સમયમાં દવા અને ખાતરનો છંટકાવ થતો હોવાની ખેડૂતોને સમજણ અપાઈ હતી.

મોરબીમાં પ્રથમ લક્ષ્મીનગર ગામેથી કૃષિ વિભાગ અને ખેતીવાડી વિભાગના નિષ્ણાતો દ્વારા ખેતીમાં ડ્રોનથી કપાસના પાકમાં નેનો યુરિયાનો છંટકાવનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર નિદર્શન ખેડૂતોને નજર સામે દેખાડવામાં આવ્યું હતું. સૌપ્રથમ ડ્રોનમાં નેનો યુરિયાનો મોટો જથ્થો ટેન્કમાં નાખીને ડ્રોનને ખેતરમાં લહેરાતા પાક ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો
આ તકે જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી ડો. દિલીપ સરડવા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુબિયા અને સરપંચ બાલકૃષ્ણભાઈ વિરસોડીયાએ ખેડૂતોને ડ્રોનના ફાયદા સમજાવ્યા હતા કે, એક તો ડ્રોનથી મજૂર રાખવાની જરૂર રહેતી નથી. દવા છાંટતી વખતે ઝેરી અસરથી પણ બચી શકાય છે. મજૂર દ્વારા નિંદામણ તેમજ આખા ખેતરમાં ફરી ફરીને નજીક જઈને પાકમાં દવા છાંટવી પડે છે. એમાં ઘણો સમય થાય છે.એટલે ઓછો ખર્ચે, બહુ ટૂંકાગાળામાં તેમજ જમીનની ફળદ્રુપતા વધારવા ખાતરનો છંટકાવ કરવા ડ્રોનનો ઉપયોગ પર ભાર મુક્યો હતો.

(12:27 am IST)