સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

ભાણવડ તાલુકાના રેટા કાલાવડ પંથકના હત્‍યાના કેસમાં પકડાયેલ આરોપીઓને આજીવન કેદ ફટકારતી ખંભાળીયા કોર્ટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૬ : ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામેના ૬ વર્ષના જુના ખુન કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ખંભાળીયા સેશન્‍સ કોર્ટ ફરમાવી હતી.

આ કેસની ટૂંકી હકીકત મુજબ તારીખ ૧૭/૫/૨૦૧૬ના રોજ ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે ફરીયાદી કાન્‍તાબેન હુમરા અને તેનો પુત્ર પરેશ અને તેમના પતિ હેમરાજભાઇ મૈસુરભાઇ વાડીમાં શેઢા પાસે ખડ ખોદતા હોય એવામાં તેમની વાડીની બાજુવાળા સગર અરજણ માલદેભાઇ સરેણા, મારખી માલદે સરેણા, ડાયબેન અરજણ સરેણા, તથા વનીતાબેન મારખી સરેણા, તથા બાળ આરોપી મેહુલ મારખી સરેણા આવેલા અને કહેલ કે શેઢો કેમ ખોદો છો ? તેમ કહી બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ. ફરીયાદીએ ગાળો દેવાની ના કહેતા આરોપીઓ એકદમ ઉશ્‍કેરાઇ જઇ  અરજણ માલદે અને મારખી માલદે સરેણાએ લોખંડના પાઇપ વડે ફરીયાદીના પુત્ર પરેશને માથામાં મારેલ અને હેમરાજ મેસુરભાઇને અરજણ માલદે સરેણા તેમના પાસે રહેલ લાકડી અને પાઇપ વડે માથામાં અને શરીરે માર મારેલ અને ડાયબેન અને વનીતાબેન ઢીકાપાટુ વતી માર મારવા લાગેલ અને આરોપી મેહુલ હાથમાં ધારીયુ લઇને ઉભો હોય અને મારી નાખવાની ધમકી આપેલ.

ત્‍યારબાદ આરોપી ચાલ્‍યા ગયા અને પરેશ હેમરાજ અને પતિ હેમરાજ મેસુરભાઇ માથામાં ગંભીર ઇજા હોય સૌપ્રથમ ખંભાળીયા ત્‍યારબાદ જામનગર સારવારમાં લઇ ગયેલ અને ત્‍યારબાદ ગોકુલ ન્‍યુટેક હોસ્‍પિટલમાં પરેશને દાખલ કરેલ અને તેના પતિ હેમરાજભાઇને વધુ સારવાર માટે અમદાવાદ લઇ ગયેલ અને સારવાર દરમ્‍યાન ફરીયાદીના પતિ હેમરાજભાઇ મેસુરભાઇનું મૃત્‍યુ થયેલ અને આ અંગેની ફરીયાદ કાન્‍તાબેન હેમરાજભાઇ લાડવાએ જામનગર ખાતે ગોકુલ ન્‍યુટેક હોસ્‍પિટલ ખાતે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૭ મુજબની ફરિયાદ આપેલ અને સારવાર દરમ્‍યાન ફરિયાદીના પતિનું અવસાન થતા આઇ.પી.સી. કલમ ૩૦૨ મુજબનો ઉમેરો કરવામાં આવેલ હતો.

આ કામેની તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરી સેશન્‍સ અદાલત ખંભાળીયા ખાતે કેસ ચાલવા ઉપર આવેલ અને આ કામે કુલ ૩૫ સાહેદોને તપાસવામાં આવેલા આ કામે મરણજનાર તથા સાહેદોની સારવાર કરનાર ડોકટરશ્રીની જુબાની તથા ફરીયાદી  તથા ઇજા પામનાર સાહેદ પરેશ હેમરાજભાઇ લાડવાની જુબાની ગ્રાહ્ય રાખી તથા જીલ્લા સરકારી વકીલશ્રી લાખાભાઇ આર. ચાવડાની દલીલો ધ્‍યાને લઇ એડીશયલ સેશન્‍સ જજ. ખંભાળીયા નાઓએ આરોપી અરજણ માલદે સરેણા અને મારખી માલદે સરેણાને આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭માં તકશીરવાન ઠરાવી બંને આરોપીઓને ખુનના કેસમાં આજીવન કેદની સજા તથા ૩૦૭ના ગુનામાં બંનેને ૧૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂા. ૨૦,૦૦૦ ના દંડની સજા ફરમાવેલ છે.

(10:42 am IST)