સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

કચ્‍છના અંજારમાં ટ્રેઝરી ઓફિસમાંથી ૨૪ લાખની ચોરી

ડેપ્‍યુટી કલેકટરની કચેરીના પ્રાંગણમાં ઘૂસીને તસ્‍કરોએ બિન્‍ધાસ્‍ત લાખોની ચોરી કરતા ચકચાર : રાત્રે ફરજ ઉપરના પોલીસ ગાર્ડ કયાં હતા ? લોકોમાં ચર્ચા : આરટીઓની મુકાયેલી ૨૩.૫૬ લાખની રોકડ તેમજ જેસલ તોરલની સમાધિના દાગીના ચોરી તસ્‍કરો ફરાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : સલામત ગુજરાત અને કચ્‍છ સરહદે ચાંપતા સુરક્ષા બંદોબસ્‍તની જાહેરાતો વચ્‍ચે તસ્‍કરોએ સરકારી ખજાનામાં હાથ મારીને કાયદાના રક્ષકોને પડકાર ફેંકયો છે.ᅠ અંજાર મધ્‍યે ડેપ્‍યુટી કલેકટરની કચેરીના પ્રાંગણમાં આવેલ ટ્રેઝરી ઓફિસમાં તસ્‍કરોએ લાખોની ચોરી કરી ચકચાર સર્જી છે. ગઇકાલે સાંજે આરટીઓ કચેરી દ્વારા ૨૩,૫૬,૯૨૫ની રોકડ રકમ ભરેલી પેટી ટ્રેઝરી ઓફિસમાં મુકાઈ હતી અને શુક્રવારે પેટી લેવા જતા તાળા દેખાયા ન હતા અને પેટી ખાલી જોવા મળી હતી. આમ ટ્રેઝરી ઓફિસમાં રહેલી આરટીઓની પેટીમાંથી જંગી રકમ ચોરી થઈ હતી. તેની સાથે જેસલ તોરલની સમાધિના ૧૩૬ દાગીનાઓ જેની કિંમત અંદાજે ૬૦ હજાર મળી કુલ ૨૪ લાખ ૧૧ હજાર ૯૨૫ રૂ.ની ચોરી થઈ છે.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અંજારની આરટીઓ કચેરીમાં ગઇકાલે સાંજે ૫ વાગ્‍યા સુધીમાં ૨૩ લાખ ૫૬ હજાર ૯૨૫ રૂપિયા આવક થઈ હતી જેનો હિસાબ કરી પેટી બંધ કરીને ટ્રેઝરી ઓફિસમાં રાખવામાં આવી હતી. જે રૂટિન પ્રક્રિયા ચાલતી આવે છે તે મુજબ શુક્રવારે સવારે આરટીઓના કર્મચારીઓ અંજાર ટ્રેઝરી ઓફિસમાં પેટી લેવા ગયા ત્‍યારે તાળા દેખાયા ન હતા અને પેટીમાં રહેલી રોકડની ચોરી થઈ ગઈ હોવાનું જણાયું હતું. કર્મચારીઓએ તાત્‍કાલિક ટ્રેઝરી ઓફિસરને જાણ કરી હતી કે, પેટીમાં રહેલી રોકડ રકમ ચોરાઈ ગઈ છે અને તાળા પણ નથી. ટ્રેઝરી ઓફિસમાંથી જંગી રકમ ચોરી જવાતા અફરાતફરી મચી ગઈ હતી તો, બીજી તરફ ટ્રેઝરી ઓફિસે ગયેલા આરટીઓના કર્મચારીઓએ મુખ્‍ય અધિકારી સી.ડી. પટેલને જાણ કરતા તેઓ પણ ભુજથી અંજાર જવા માટે રવાના થઈ ગયા હતા.

આ અંગે અંજાર આરટીઓ ઓફિસના વી. આર. ચૌધરી સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે ટ્રેઝરી ઓફિસમાં મુકાયેલી પેટીમાંથી આ રકમ ચોરાઈ ગઈ હોવાની ઘટના બની છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મુખ્‍ય અધિકારીને જાણ કરવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસ દોડતી થઇ છે. રાત્રે ગાર્ડ હોવા છતાંયે ચોરી કેમ થઈ? એ ચર્ચા લોકોમાં છે.

(10:53 am IST)