સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

કચ્‍છના ચકચારી જેન્‍તી ભાનુશાલી હત્‍યા કેસમાં પૂર્વ ધારાસભ્‍ય છબીલ પટેલની રેગ્‍યુલર જામીન અરજી નામંજૂર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: કચ્‍છના ચકચારી જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી એવા પૂર્વ ધારાસભ્‍ય છબીલ પટેલની રેગ્‍યુલર જામીન અરજી ભચાઉની કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. લાંબા સમયથી જેલમાં રહેલા છબીલ પટેલ દ્વારા પોતાની રાજકીય કાવાદાવા હેઠળ આ કેસમાં ફસાવી દેવામાં આવ્‍યો હોવાનું તેમજ લાંબો સમય જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં હોવાનું કહીને નિયમિત જામીન માંગવામાં આવ્‍યા હતા.

ભચાઉના બીજા અધિક સેશન્‍સ જજની કોર્ટમાં છબીલ પટેલ દ્વારા રેગ્‍યુલર જામીનની અરજી કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, આ હાઈપ્રોફાઈલ પોલિટિકલ કેસમાં તેમને રાજકીય અંટસને કારણે ફસાવવામાં આવ્‍યા છે. વળી સમગ્ર કેસમાં કયાંય તેમનું સીધું કનેક્‍શન નથી. આ સિવાય તેઓ આ મામલામાં લાંબા સમયથી જેલમાં છે. એટલે તેમને જામીન મળવા જોઈએ. બીજી તરફ સરકારી વકીલ દ્વારા ઇન્‍વેસ્‍ટિગેશન ઓફિસરે કરેલા એફિડેવિટનો ઉલ્લેખ કરીને છબીલ પટેલની નિયમિત જમીનનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. જેને પગલે ભચાઉની કોર્ટ દ્વારા છબીલ પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

(11:32 am IST)