સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદ ઓન લાઈન કરવા અંગે કચ્છમાં પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમો

રેન્જ આઇજી મોથલિયાએ યુવા વર્ગને કર્યું સંબોધન : ઈ - ફરિયાદનું સતત મોનીટરીંગ થશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા. ૬ : પોલીસ સ્ટેશન ગયા વગર કોઈપણ વ્યક્તિ મોબાઈલ કે વાહન ચોરી અંગે ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે સરકાર દ્વારા ઉપલબ્ધ ઈ - એફ.આઈ.આર. સુવિધાનો ઉપયોગ કરવાની અપીલ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથલિયાએ લોકોને કરી હતી. 

    અદાણી મેડિકલ કોલેજના લેકચર હોલમાં જી. કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ઉપક્રમે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સહયોગથી વિદ્યાર્થીઑને ઈ ફરિયાદ જન જાગૃતિ કાર્યક્રમમાં બોલતા શ્રી મોથલિયાએ વધુમાં કહ્યું કે આ ફરિયાદને પગલે તત્કાળ મોનિટરિંગ કરાશે અને નિર્ધારિત સમયમાં કાર્યવાહી નહીં થાય તો શિક્ષાની પણ જોગવાઈ છે અને બીજી તરફ જો કોઈ ખોટી ફરિયાદ લખાવશેતો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

    પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભસિંઘે કહ્યું કે આ સુવિધાથી પોલીસ હદની વિસંગતતાનો પણ ઉકેલ આવશે અને ફરિયાદીને વળતાં એસએમએસ દ્વારા તમામ વિગતોનો પ્રત્યુત્તર મળશે. ખાસ તો એફ આઈ આર સિસ્ટમ વ્યવસ્થિત કરવાની પ્રક્રિયા છે અને સમગ્ર સિસ્ટમને પારદર્શી કરવાનું આયોજન તેના મૂળમાં છે. પ્રારંભમાં નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલે સ્વાગત કરી ઘર બેઠા ઓનલાઈન ફરિયાદ માટે સિટીજન પોર્ટલ પર તથા સિટીજન ફર્સ્ટ એપ્લીકેશનની વિગતો આપી હતી. તેમણે વાહન અને મોબાઈલ ચોરીના સંદર્ભમાં લોકોએ કરવાની થતી કાર્યવાહીની વિગતવાર માહિતી આપી હતી. 

    જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈએ મોબાઇલના દૂરઉપયોગ સામે લાલબત્તી ધરતા કહ્યું કે મોબાઈલનો જો જાણકારી અને જીવન સુરક્ષા માટે ઉપયોગ થાય તો તેનું મહત્વ વધી જાય છે, તેમણે ન્યુ ડિજિટલ ઈન્ડિયાનો ઉલ્લેખ કરી કહ્યું કે વડાપ્રધાનશ્રી ની દેશને સ્માર્ટ ઈન્ડિયા બનાવવાની દિશામાં જે નેમ છે તે આમાથી વ્યક્ત થાય છે. પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરતાં જિલ્લા સરકારી વકીલ શ્રી કલ્પેશ ગોસ્વામીએ ઈ એફ આઈ આર માટે કાયદાની સમજ આપી લોકોને તેમના હક્ક અને ફરજ સમજાવ્યા હતા. આભારદર્શન પોલીસ ઈન્સ્પેકટર પી. વિ વાઘેલાએ કર્યું હતું. 

    આ પ્રસંગે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર જોમોન, મેડિકલ કોલેજના એસો. ડિન ડો. એન એન ભાદરકા, રોટરી ક્લબના પ્રમુખ નવગણ આહિર, માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર, પોલીસ ઈન્સ્પેકટર અંકુર પટેલ અને પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થીઑ ઉપસ્થિત રહ્યા હતા.

(11:50 am IST)