સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સહપરિવાર નાગેશ્વર મહાદેવ જ્યોતીર્લીંગની પૂજા કરી : પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત

ઉપરાષ્ટ્રપતિએ મંદિર પરિસરની મુલાકાત લઇ, મંદિરના મહાત્મ્ય અંગે જાણકારી મેળવી : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા સહિતના ઉપસ્થિત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૬ : ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેંકૈયા નાયડુ ગુજરાતની એક દિવસની મુલાકાતે પધાર્યા છે. તેઓ દ્વારકા ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકી શ્રી નાગેશ્વર જ્યોતિર્લીંગના દર્શનાર્થે પધાર્યા હતા. અહીં તેઓશ્રીનું પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

દ્વારકાથી ૧૪ કિ.મી. દૂર બિરાજમાન જ્યોતિર્લીંગ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે શનિવારે ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ ધર્મપત્ની ઉષાબહેન સાથે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચન અને પ્રાર્થના કરી હતી. આ વેળાએ હર્ષવર્ધનભાઈ અને રાધાબહેન, શ્રી રવિભાઈ તેજા અને નિહારિકા બહેન સહિતના પરિવારજનોએ નાગેશ્વર મહાદેવની આરતી કરીને સમગ્ર પરિવારે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.

 

આ વેળાએ ઉપરાષ્ટ્રપતિશ્રીએ મંદિર પરિસરની મુલાકાત લઇ, મંદિરના મહાત્મ્ય અંગે જાણકારી મેળવી હતી. આ તકે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, જિલ્લાના અગ્રણીશ્રીઓ યુવરાજસિંહ ગઢવી અને મયુરભાઈ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

    નાગેશ્વર મંદિરના મહંતશ્રી ગીરધર ભારથી, મહેન્દ્રભારથી, ભીખુભાઇ ભોગાયતા, પવનભાઇ મિશ્રા, જયદીપભાઇ ગોસ્વામી, જ્યોત્સનાબેન દ્વારા શાસ્ત્રોક્ત વિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે નાગેશ્વર મહાદેવની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

(12:00 pm IST)