સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

સુરેન્‍દ્રનગર એસટી બસ સ્‍ટેશન વિસ્‍તારમાં ખાનગી વાહનચાલકોનો ત્રાસ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૬ : સુરેન્‍દ્રનગર એસટી બસ સ્‍ટેશન, કંટ્રોલપોઇન્‍ટ તેમજ પીક સ્‍ટેન્‍ડની ૨૦૦ મીટર ત્રિજ્‍યાના નિયમને ખાનગીવાહન ચાલકો ઘોળીને પી જતા હોવાનો ઘાટ સર્જાતા તંત્રને ખોટનો ખાડો સહન કરવાનો વારો આવ્‍યો છે. આ ઉપરાંત બસ સ્‍ટેશનમાં મુસાફરોના જાનમાલને લઇને તંત્ર દ્વારા કાયમી માટે ૨ પોલીસકર્મીને મૂકવા જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરાઈ છતાં પરિણામ શૂન્‍ય રહેતા દિવસે દિવસે ખાનગીવાહનોને હાલ આ સ્‍થળ ખૂલ્લુ મેદાન બની ગયુ છે.

સુરેન્‍દ્રનગર એસટી બસ સ્‍ટેશનમાંથી ૧૬૦થી વધુ બસો દોડાવવાની સાથે મોટી સંખ્‍યામાં તેનો મુસાફરો લાભ લઇ રહ્યાં છે. બીજી તરફ એસટી બસ સ્‍ટેશનના ૨૦૦ મીટર ત્રિજ્‍યાની હદમાં કોઇપણ ખાનગીવાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જેમાં સુરેન્‍દ્રનગર બસ સ્‍ટેશન, પતરાવાળી એનટીએમ હાઇસ્‍કૂલ પાસે, રતનપર, મૂળી બસ સ્‍ટેશન, લખતર બસસ્‍ટેશન સહિત પીકઅપ સ્‍ટેન્‍ડોનો સમાવેશ થાય છે.

પરંતુ આ બસ સ્‍ટેશનના આજુબાજુ જ નિયમોનો ભંગ થતો હોવાથી તંત્રને ખોટના ખાડાનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્‍દ્રનગર એસટી ડેપો દ્વારા બસ સ્‍ટેશનમાં બે પોલીસ કર્મીઓ કાયમી માટે ફાળવવામાં આવે તે માટે વારંવાર તંત્રને લેખિતમાં રજૂઆત કરાઈ છે. સુરેન્‍દ્રનગર શહેરના એસટી બસ સ્‍ટેન્‍ડ પાસે એક પણ પોલીસની નોકરી કે ટ્રાફિક બ્રિગેડની નોકરી ન હોતી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે અને આજુબાજુના દુકાનદારો પણ જણાવી રહ્યા છે ત્‍યારે હાલમાં બસ સ્‍ટેન્‍ડના પહેલા તેમજ બીજા જાપવા ઉપર રીક્ષા ચાલકોનો ત્રાસ હોવાનું પણ જોવા મળી રહ્યું છે ત્‍યારે ટ્રાફિક શાખાથી એકદમ નજીક આવેલ બસ સ્‍ટેન્‍ડ પાસે પણ કોઈ સલામતી ન હોવાનું પણ હાલમાં લોકોમાં ચર્ચા રહ્યું છે અને રીક્ષા ચાલકો બેફામ બની અને પસાર થતી મહિલાઓની પણ સાચી ઉડાડી અને ઠેકડી કરતા અવારનવાર જોવા મળે છે ત્‍યારે આ જ વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ ટ્રાફિકના જગ જાહેરમાં નિયમોના ધજાગરા બોલી રહ્યા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક આ માર્ગ ઉપર નીકળી અને તપાસ કરે તેવી માંગ કરવામાં આવી

(1:37 pm IST)