સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

જામનગરના ધારાસભ્ય-પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

જૂની રાજકીય અદાવતમાં હુમલો થયાની ચર્ચા : તો સામે સિંગચના રતુભા ગ્રુપના ૩ થી ૪ લોકો ઘાયલ, રાજકોટ ખસેડાયા : બંનેના ગ્રુપના વાડીનારમાં કોન્ટ્રાકટ ચાલી રહ્યા હોય આ મામલે પણ મનદુઃખ થયાની ભારે ચર્ચા

જામનગર : શહેર ૭૮ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા ઉપર એસ્સાર કંપની પાસે કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. તેમને સારવાર માટે જામનગરમાં રૂપારેલીયા ન્યુરોસર્જનની હોસ્પિટલમાં ખસેડાયા છે. જૂની રાજકીય અદાવતમાં આ હુમલો થયાનું જાણવા મળે છે. તો સામે સિંગચ રતુભા ગ્રુપના ૩ થી ૪ શખ્સો ઘાયલ થયાનું પણ જાણવા મળે છે.

જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા જાડેજા ઉપર થયેલા હુમલામાં રાજભાને ૧૨ ટાકા આવ્યા છે. જો કે અંદર કોઈ ઈજા નથી.

મળતી વિગતો મુજબ સિંગચના રતુભા ગ્રુપના લોકોએ આ હુમલો કર્યાનું મનાય છે. તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂકયા છે. તેમના પક્ષના ૩ થી ૪ લોકોને ઈજા થયાનું બહાર આવ્યુ છે. અગાઉની રાજકીય ચૂંટણીલક્ષી અદાવત હોવાનું કારણભૂત મનાય છે.

આ હુમલાની ઘટનાને પગલે કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પણ રૂપારેલીયા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા અને બાર  કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન શ્રી મનોજભાઈ અનડકટ, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા સહિતના ભાજપ અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા છે. સ્ટે. ચેરમેન મનીષ કટારીયા પણ હોસ્પિટલે પહોંચ્યા છે.  બંનેના ગ્રુપના વાડીનારમાં કોન્ટ્રાકટ ઉપર કામ ચાલી રહ્યા હોય તે સંદર્ભે મનદુઃખ થયાની પણ ભારે ચર્ચા ઉઠી છે. (અહેવાલ - મુકુંદ બદીયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા)

(3:31 pm IST)