સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th February 2023

ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ દ્વારા ૧૭ વર્ષની ફૌજી સર્વિસ કરીને વતન પરત ફરતા વીર યોધ્‍ધાનું સન્‍માન

(અશોક જોષી દ્વારા) ગોંડલ,તા.૬ : ૧૭ વર્ષની આર્મીની ફરજો અલગ અલગ રાજ્‍યોમાં અને બોર્ડર પર  ફરજો બજાવીને કલ્‍પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા જ્‍યારે પરત વતન ગોંડલ ખાતે બપોરે જબલપુર એક્‍સપ્રેસ દ્વારા ગોંડલ રેલવે સ્‍ટેશને પધાર્યા ત્‍યારે વાઘેલા પરિવાર તથા મિત્રજનો તો બહોળી સંખ્‍યામાં સન્‍માન કરવા હાજર હતા જ પણ સાથેજ ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ પણ બહોળી સંખ્‍યામાં સફારી મેડલ કેપ સહિત સેરિમોનિયલ ડ્રેસમાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત હતું.

 સ્‍વાગત કર્યાં બાદ એમને ડી.જે. સહિત વાજતે ગાજતે કુટુંબીજનો, મિત્રમંડળ તથા  બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના પ્રમુખ અનોપસિંહ ચુડાસમા ની આગેવાનીમાં ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, નિતેશભાઈ બાબરીયા, રામદેવસિંહ જાડેજા, હરેન્‍દ્રભાઈ જોષી, જસુભા જાડેજા, સુભાષભાઈ ભટ્ટ, રસિકભાઈ પુરોહિત સહિતના લોકોએ વીર યોદ્ધા કલ્‍પેશભાઈ ની એમના નિવાસસ્‍થાન ભવનાથ સુધી ડી.જે. સહિત સન્‍માન-રેલી સહિત બહુમાન આપ્‍યું.

 કલ્‍પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા મૂળ ઘોઘાવદર અને હાલ ગોંડલ છે. એમના બીજા પિતરાઈ ભાઈ ગૌતમભાઈ પણ આર્મીમાં ફરજો બજાવીને ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંદળ ના એક જવાબદાર સભ્‍ય છે. વીર યોદ્ધા કલ્‍પેશભાઈ એ આર્મીમાં ૧૭ વર્ષની ફરજો બજાવી કુલ ૬ મેડલો જીત્‍યા છે. ફરજ દરમિયાન તેમણે નાસિક મહારાષ્‍ટ્ર, અંબાલા પંજાબ, પઠાણકોટ પંજાબ, ગોપાલપુર ઓરિસ્‍સા, શ્રીનગર, દિલ્‍હી, મુંબઈ વિગેરે રાજ્‍યોમાં કઠિન ફરજો બજાવી જે દરમિયાન શ્રીનગરમાં ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન બે આર્મી ઓપરેશન (ઓપરેશન રક્ષક તથા ઓપરેશન વિજય) માઇનસ ૧૦ ડિગ્રીમાં ઓપરેશન પાર પાડવા બદલ પણ બે મેડલ મેળવ્‍યા આમ કુલ તેઓએ કઠિન પરિસ્‍થિતિમાં ફરજો બજાવીને ૬ મેડલ તથા એક કૉમેન્‍ડેશન કાર્ડ પ્રાપ્ત કર્યા છે.  પરિવારમાં બે ભાઈઓમાં પોતે સૌથી મોટા છે જ્‍યારે એમને છ વર્ષનો દીકરો છે જેમને પણ તેઓ આર્મીમાં જ મોકલવાની મહેચ્‍છા ધરાવે છે.

(12:23 pm IST)