સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ.

ચૂંટણી જીતનારા વિદ્યાર્થીઓને મહા મંત્રીપદ ,ઉપમહામંત્રીપદ ,વ્યવસ્થાપનમંત્રી, મધ્યાહનભોજનમંત્રી વગેરે પદે નિમણુક આપી

માળિયા(મી.) તાલુકાની રત્નમણિ પ્રાથમિક શાળામાં બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદની ચુંટણી આયોજન કરવામાં આવ્યું હતું.જેમ સંસદની ચૂંટણી યોજવામાં આવે છે તે જ રીતે શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી બાળકોને ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડ્યા હતા.બાળકોમાં રાજનીતિશાસ્ત્ર જેવા વિષયનું જ્ઞાન આવે તેમજ સમજશક્તિમાં વધારો થાય તે માટે સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે.ચૂંટણી જીતનાર વિદ્યાર્થીઓને વિવિધ પદે નિમણૂક કરવામાં આવ્યા હતા.
માળીયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારમાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.
બાળ સંસદ ચૂંટણી માટે શાળા દ્વારા પહેલા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓમાંથી ૧૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ પોલીસ અધિકારીની જવાબદારી સોંપી બેલેટ પેપરનો ઉપયોગ કરી ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ મતદાન કર્યું હતું.
જેમાં
સૌથી વધુ મત મેળવનાર ડાંગર દિપ સંજયભાઈને મહામંત્રીપદ માટે અને સાથે ડાંગર દિયા સુરેશભાઈને ઉપમહામંત્રીના પદ માટે નિમણૂક કરાયા હતા. તદ્ઉપરાંત ડાંગર ભક્તિ દિપકભાઈ પ્રાર્થનામંત્રી, બાલાસરા હર્ષિતા દિપકભાઈ વ્યવસ્થાપન મંત્રી, ચાવડા બંસી વનરાજભાઈ મધ્યાહન ભોજન મંત્રી, ડાંગર આશિષ જેઠાભાઈ પર્યાવરણ મંત્રી, હુંબલ કૃપાલી અરવિંદભાઈ આરોગ્ય મંત્રી, ડાંગર દિયા સુરેશભાઈ સફાઈ મંત્રી તેમજ ડાંગર દિપ સંજયભાઈ પુસ્તકાલય મંત્રી તરીકે મંત્રીમંડળમાં જોડાયા હતા.
આ તકે શાળાના શિક્ષક અને મોટીબરારના બી.એલ.ઓ. અનિલભાઈ બદ્રકિયાએ જણાવ્યું હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે . જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે. બાળકોમાં નેતૃત્વ, સમુહભાવના, સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજી જીવન ઘડતરમાં પણ ઉપકારક બનાવી શકે તેવા હેતુથી આ બાળ સંસદ ચુંટણી યોજવામાં આવી હતી

(10:49 am IST)