સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

મોરબીમાં વંદે ગુજરાત રથ યાત્રાને પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી મેરજા.

સમગ્ર મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત બેઠક અનુસાર રથ ફરીને ગુજરાતની વિકાસ યાત્રાથી લોકોને વાકેફ કરશે

મોરબી :રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીની એલ.ઈ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી વંદે ગુજરાત વિકાસયાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાતની ધરા પર બે દાયકામાં થયેલ વિકાસ કામોની ઝાંખી કરાવતી રાજ્ય વ્યાપી વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના વંદે ગુજરાત વિકાસયાત્રા રથને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરાજાએ સ્થાનિક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું. મોરબી જિલ્લામાં બે વિકાસયાત્રા રથ ગામે ગામ ફરશે જે હેઠળ ૫૬ જેટલા કાર્યક્રમો થકી ૧.૫ કરોડ જેટલી રકમના ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કરાશે.
આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સહિત ગુજરાતની બે દાયકાની વિકાસ વાટિકા રજૂ કરતાં જણાવ્યું હતું કે, કૃષિ, આરોગ્ય, સિંચાઈ, પશુપાલન, પંચાયત વગેરે તમામ ક્ષેત્રે અવિરત વિકાસ થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, આજે જેમ વંદે ગુજરાત કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેમ વંદે મોરબી કાર્યક્રમ યોજાય તેવું મારું સ્વપ્ન સાકાર કરવું છે.
આ ઉપરાંત મોરબી જિલ્લા ૫૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ જી.એમ.ડી.સી., ૪૦૦ કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક આકાર પામશે. મોરબીને પ્રવાસનમાં પણ અગ્રતા અપાવે તેવું રિવરફ્રન્ટ પણ નિર્માણ પામશે જેની સૈંદ્ધાતિક મંજૂરી મળી ગઈ છે તેમ જણાવી મોરબી મહાનગર પાલિકા બને તે તરફના પ્રયત્નો સેવાઈ રહ્યા છે જેમાં લોકોને પૂરો સહયોગ આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલ વિકાસ કામોનું સરવૈયું આપ્યું હતું. સૌની યોજનાની વાત કરતા જણાવ્યું હતું કે, સૌની યોજનાથી કચ્છ સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચ્યું છે જે ભગીરથ કાર્ય ખરેખર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સાર્થક કરી શકે.
આ પ્રસંગે મંત્રી સાથે મહાનુંભાવોએ વિકાસયાત્રા રથને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું તથા મંત્રીના હસ્તે મુખ્યમંત્રી શહેરી બસ સેવા હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારમાં CNG બસ સર્વીસના પ્રારંભ માટે ૧૬ મીની સીટીબસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકાના હદ વિસ્તારમાં આઈ.સી.ડી.એસ. વિભાગ અન્વયે રૂ. ૧,૧૪,૪૫,૪૩૬ ના ખર્ચે જુદી-જુદી ૧૬ જગ્યાઓએ નવી આંગણવાડીનું ઈ- ખાતમહુર્ત પણ કરવામાં આવ્યું હતું.
મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નિવાસી અધિક કલેકટર એમ.કે. મુછારે કર્યું હતું. આભારવિધિ મોરબી પ્રાંત અધિકારી ડી. એ.ઝાલાએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી માર્કેટીંગ યાર્ડ ઉપપ્રમુખ મગનભાઈ વડાવિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી સર્વ જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, લાખાભાઇ જારિયા, પ્રદીપભાઈ વાળા તથા સ્થાનિક પદાધિકારીઓ/અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:30 pm IST)