સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

કચ્‍છના નખત્રાણાથી વંદે ગુજરાત યાત્રાનો પ્રારંભ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ આઝાદીના ૭૫ વર્ષ આઝાદીનો અમૃત મહોત્‍સવ હેઠળ ઉજવાઇ રહેલા વંદે ગુજરાત કાર્યક્રમ દ્વારા સરકાર વિવિધ સહાય આપી રહી છે એમ અબડાસા ધારાસભ્‍ય પ્રધ્‍યુમનસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું.

કે.ટી.વેલાણી કન્‍યા હાઈસ્‍કૂલ નખત્રાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ રથને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવતાં ધારાસભ્‍યએ વધુમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની સરકારમાં વિવિધ યોજનાઓ દ્વારા પ્રજા કલ્‍યાણના કામો થઇ રહયા છે. જે પૈકી નખત્રાણા તાલુકામાં રૂ.૫૩૦.૧૬ લાખના ૨૫૯ વિકાસકામો, વંદે ગુજરાત કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે.

આ તકે ધારાસભ્‍યએ અને મંચસ્‍થ મહાનુભાવોએ મુખ્‍યમંત્રી માતૃશકિત યોજનાની કીટ, વાજપેયી બેંન્‍કેબલ યોજના, પીજીવીસીએલની ઝુપડપટ્ટી વીજ જોડાણ અને ખેતીવાડી વીજ કનેકશન, ગેસકીટ અને વિવિધ યોજનાની સહાય અને ચેક વિતરણ કર્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્‍થિતોએ વંદે ગુજરાત રથમાં ગુજરાત ગૌરવ અને રાજયના વિકાસકામોની ટુંકી ફિલ્‍મો નિહાળી હતી. તેમજ આરોગ્‍ય કેમ્‍પનો લાભ લીધો હતો.

કાર્યક્રમમાં અગ્રણી કરશનજી જાડેજા, જિલ્લા પંચાયત સભ્‍ય નયનાબેન પટેલ, નખત્રાણા સરપંચ રિધ્‍ધિબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, તાલુકા વિકાસ અધિકારી એચ.વી.પટેલ, મામલતદાર, તલાટી રમેશભાઇ માલી, ગામના અગ્રણી તેમજ પ્રજાજનો ઉપસ્‍થિત રહયા હતા.

(10:39 am IST)