સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ગાંધીધામમાં કારનો દરવાજો ખોલી ૩.૭૦ લાખની ચોરી

મની ટ્રાન્‍સફરના ધંધાર્થી લોક કરવાનું ભૂલ્‍યા અને બાઇકચાલક તસ્‍કરોએ કર્યો હાથફેરો

ભુજ,તા.૭: ક્‍યારેક નાનકડી બેદરકારી પણ ભારે પડી શકે છે ગાંધીધામમાં જવાહરનગર પાસે અલ્‍ટો કારનો દરવાજો ખોલી ત્રણ અજાણ્‍યા બાઈકસવાર ૩.૭૦ લાખ રોકડા લઈને પલાયન થઈ ગયાં હોવાની ઘટના બહાર આવી છે. ગાંધીધામના મીઠીરોહર હાઈવે પર રાધે કોમ્‍પ્‍લેક્‍સમાં મની ટ્રાન્‍સફરનો વ્‍યવસાય કરતાં રાજુભાઈ રસિકભાઈ ઠક્કર સોમવારે સાંજે તેમની અલ્‍ટો કાર લઈ અલગ અલગ સ્‍થળેથી મની કલેક્‍શન કરવા નીકળ્‍યાં હતા.

એક જગ્‍યાએથી ૩.૭૦ લાખનું કલેક્‍શન મેળવી રાજુભાઈએ સાડા સાતના અરસામાં જવાહરનગરમાં મોમાય મની ટ્રાન્‍સફરના સંચાલક કૈલાસભાઈની દુકાને ૫૦ હજારનું કલેક્‍શન મેળવ્‍યું હતું. ત્‍યારબાદ પાછળના રોડ પર પરમાર મોબાઈલ ઝોન નામની દુકાને ૮૦ હજારનું કલેક્‍શન લેવા ગયા હતા. દુકાનદારે આપેલાં ૮૦ હજાર રૂપિયા લઈ પરત કારમાં આવી બેગમાં મૂક્‍યાં ત્‍યારે બેગમાં અગાઉ રાખેલાં ૩.૭૦ લાખ રોકડા રૂપિયા ગાયબ હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું.

ઘટના બાદ ફરિયાદીએ આસપાસની દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં બાઈક પર આવેલાં ત્રણ અજાણ્‍યા યુવકો પૈકી એક જણો કારનો આગળનો દરવાજો ખોલીને નાણાં સેરવી જતો હોવાનું દ્રશ્‍ય જોવા મળ્‍યું હતું. કલેક્‍શન મેળવવાની ધૂનમાં ફરિયાદી કારનો દરવાજો લોક કરવાનો ભૂલી ગયો હતો, જેથી આરોપી આસાનીથી દરવાજો ખોલીને રૂપિયા સેરવીને તુરંત બાઈક પર નાસી છૂટ્‍યો હતો. બાઈકના નંબર સ્‍પષ્ટ થયાં નથી. ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી બાઈકસવાર ત્રિપુટીને શોધવા તપાસ શરૂ કરી છે.

(12:25 pm IST)