સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

મોરબીની " ઇટાકોન" સિરામીક ફેકટરીમાં બર્નર રીપેરીંગ વખતે આગ ભભૂકી : કારખાનેદાર સહિત આઠ ઘાયલ

રંગપર નજીક ઇટાકોન સિરામીક ફેકટરીમાં બનેલી ઘટના ત્રણને રાજકોટ લઈ જવાયા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સીરામીક કંપનીની ગેસ ભઠ્ઠીનું બર્નર રીપેર કરતી વખતે આગની દુર્ઘટના બની હતી. આ આગમાં કારખાનેદાર સહિત આઠ દાઝી ગયા હતાં તેમાંથી ત્રણને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલા ઇટાકોન સીરામીકમાં ગઇકાલ તા.૬ ના સાંજે ચારેક વાગ્યે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ભઠ્ઠીમાં લાગેલી આગના લીધે કારખાનેદાર સહિત આઠ લોકો દાજી ગયા હતા.જેમાં રવિભાઇ આદ્રોજા (૨૯), કેવલ વરમોરા, જીતેન્દ્ર વામજા (૪૦), તરુણ ઈશ્વર મારવાણીયા (૪૧), પરેશ જયંતિ વરમોરા (૩૨), અરવિંદ દયારામભાઈ, અમરશી યાદવ (૨૪) અને ભાવેશ મનહર વાઘડિયા (૩૧) ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને જે પૈકી પરેશ વરમોરા, જીતેન્દ્ર વામજા અને રવિ આદ્રોજાને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, સિરામીક ફેકટરીમાં ભઠ્ઠીના બર્નર રીપેરીંગ વખતે આગ ભભૂકી હતી. જેમાં આઠ ઘાયલ થયા છે. ફેકટરી કેવી રીતે આગ લાગી તેની તપાસ થઈ રહી છે જરૂર પડે એફએસએલની મદદ લેવાશે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.

(12:27 pm IST)