સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

જામનગર પંથકમાં રેડ એલર્ટ !

શનિ-રવિ ભારે વરસાદની આગાહીને પગલે ધ્રોલમાં વ્‍હોરા બોર્ડીગ પાસે -વૃક્ષ તૂટી પડયુ

જામનગર, તા.૭: હાલાર તરીકે પ્રખ્‍યાત એવા જામનગર અને દ્વારકા પંથકમાં બુધવારે પણ મેઘમહેર રહ્યો હતો. કલ્‍યાણપુર અને દ્વારકામાં ૨, જામનગરમાં વધુ ૧.૫ ઇંચ વરસાદ વરસ્‍યો હતો. ધ્રોલ, જોડિયામાં પોણો ઇચ પાણી વરસ્‍યુ હતું. લાલપુર, જામજોધપુર, ખંભાળિયા, ભાણવડમાં ઝાપટા પડયા હતા. હાલારમાં આગામી શનિવાર અને રવિવારના અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા જિલ્લા પ્રશાસન એલર્ટ બન્‍યુ છે.

ધ્રોલમાં રાજકોટ જામનગર હાઇવે પર આવેલ વ્‍હોરા બોડીંગ સામે બુધવારે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા માર્ગ પર પડયુ હતુ. આથી ધ્રોલથી રાજકોટ તરફનો વાહન વ્‍યવહાર અટકી ગયો હતો. જેના કારણે વાહનોને માર્ગની બીજી સાઇડમાં ડાયવર્ટ કરવા પડયા હતા. નગરપાલિકાને જાણ કરતા જેસીબીથી ઝાડને દૂર કરી વાહન વ્‍યવહાર પૂર્વવત કરાયો હતો.

જામનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી લાખોટા તળાવમાં બુધવારે નવા નીરની આવક શરૂ થઇ છે. શહેરના શાન સમાન અને ડંકીના તળ સાજા રાખતા તળાવમા નવા નીરની આવકથી શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વરસાદમાં ન્‍હાવાની મોજ સાથે શહેરીજનોએ નવા નીર નીહાળવાનો પણ આનંદ માણ્‍યો હતો.

(1:20 pm IST)