સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

સુત્રાપાડા તાલુકાના ખેતરોમાં ડેમનું પાણી ફરી વળતા 200 હેકટર ખેતીને નુકસાન

ડેમ પર મેન્યુઅલ દરવાજાઓની માંગ: મુખ્યમંત્રીને લખ્યો પત્ર : ન્યાય નહીં મળે તો હાઇકોર્ટમાં જવા ચીમકી

ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેતરોમાં બંધનું પાણી ફરી વળતા 200 હેક્ટર ખેતીને નુકસાન થયું છે. તેના પગલે ખેડૂત પ્રતિનિધિઓએ તાત્કાલિક ડેમ પર મેન્યુઅલ દરવાજાઓની માંગ કરતો પત્ર લખ્યો છે અને ન્યાય નહી મળે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી આપી છે.

ગુજરાત ખેડૂત સમાજના ગીરસોમનાથ જીલ્લાના પ્રમુખ ભગવાનભાઈ સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગીરસોમનાથ જિલ્લામાં એક માસ સુધી અવિરત ભારે વરસાદના કારણે ડેમ હાલ ૩.૬૫ મીટર ઉચાઇથી ઓવરફલો છે, તેવી પરિસ્થિતિમાં ડેમની પૂર્વ દિશામાં ડેમ કિનારે આવેલ લોઢવા ગામના ખેડૂતોની ખેતીની જમીનોમાં ડેમનું પાણી ફરી વળેલ છે અને ખેતરો પાણીથી ભરાયેલા છે. તેથી અંદાજીત 200 હેકટર ખેડૂતોની ખેતીની જમીનનો ખરીફપાક સંપૂર્ણ નાશ પામેલ છે, આ પરિસ્થિતિ હાલના વર્ષમાં ઉભી થઇ તેવું નથી, આવું વર્ષોથી ડેમ ઉપર પરમેનેન્ટ આરસીસી કરીને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારથી વર્ષથી સતત આ જમીનોમાં ખરીફપાક સંપૂર્ણ નાશ પામે છે અને આ પ્રકારની નુકશાની ડેમના કારણે અહીંના ખેડૂતો દર વર્ષ વેઠી રહયા છે.

દરિયા કાઠા વિસ્તારનાં ખેડૂતો ખેતી સાથે સાથે પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન ખરીફ પાક નિષ્ફળ જવા સાથે પશુઓનું ચરિયાણ અને ખેતરમાં વાવતેર કરેલ પશુઓનો ચારો પણ ખારા પાણી ફરી વળવાથી નાશ પામે છે આવી પરિસ્થિતિમાં ગીરસોમનાથ જિલ્લા ગુજરાત ખેડૂત સમાજ તથા ખેડૂતોએ તાત્કાલિક ડેમ ઉપર મેન્યુલ દરવાજાઓ બેસાડવાની માંગ કરી છે. જો આ માંગ સરકાર દ્વારા સ્વીકારવામા નહિ આવે તો પ્રભાવિત ખેડૂતોને સાથે રાખીને ખરીફપાકમાં થતા નુકસાન સામે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે. જો આ અંગે કાર્યવાહી કરવામાં નહી આવે તો પ્રભાવિત તમામ ખેડૂતોને સાથે રાખી આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે અથવા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન ફાઈલ કરવાની ચીમકી આપી છે.

(9:14 pm IST)