સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

બે વખત ભાગેલો કુખ્યાત મર્ડરનો આરોપી હિતુભા ઝાલા ત્રીજી વખત એટીએસના હાથે ઝડપાયો

ધ્રાંગધ્રા પાસેથી એક વર્ષ પહેલા મોરબી કોર્ટમાં લઇ આવતી વખતે નાશી છૂટ્યો'તો : હવે પોલીસ કબ્જો લેશે

રાજકોટ તા. ૭ : બે વખત ભાગી ગયેલ મોરબીનો કુખ્યાત મર્ડરનો આરોપી હિતુભા ઝાલા ત્રીજી વખત વડોદરામાં એટીએસ ટીમના હાથે પકડાય ગયો છે. હવે ધ્રાંગધ્રા પાસેથી એક વર્ષ પહેલા મોરબી કોર્ટમાં લાવતી વખતે નાશી છૂટતા પોલીસ તેનો કબ્જો લેશે.

૨૦૧૭માં મોરબીમાં મુસ્તાક મીરની હત્યા અને ૨૦૧૮માં મુસ્તાકના ભાઈ આરીફ મીર પરના ફાયરિંગ પ્રકરણના મુખ્ય આરોપી શનાળાના હિતુભા ઝાલાની અમદાવાદ ATS ધરપકડ કર્યા બાદ ગત ઓકટોમ્બર ૨૦૧૯માં પોલીસ જાપ્તામાંથી ધ્રાગંધ્રા પાસેથી ફરાર થયેલા હિતેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે હિતુભાને આજે ફરીથી ગુજરાત એટીએસની ટીમે વડોદરાથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ATS ડીઆઈજી હિમાંશુ શુકલાની સૂચનાથી ATS ડીવાયએસપી ભાવેશ રોજીયા સહિતની ટીમ દ્વારા આજે વડોદરા ખાતેથી બાતમીના આધારે મોરબીની હત્યાના આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે.

મોરબીમાં શનાળાના હિતુભા ઝાલા અને મુસ્તાક મીર જૂથ વચ્ચે ૨૦૧૬થી જમીન સહિતના મુદ્દે ખટરાગ ચાલી રહ્યો હતો.

૦૪ એપ્રિલ ૨૦૧૭ના ઢળતી સાંજે મોરબીમાં શનાળા રોડ પર મુસ્તાક મીર પર હિતુભાએ ફાયરિંગ કરી મુસ્તાકની હત્યા કરી

૨૮ એપ્રિલ ૨૦૧૭ના મુસ્તાક મીરની હત્યાના ગુન્હામાં હિતુભાની માળીયા નજીકથી મોરબી પોલીસે ધરપકડ કરી (આ કેસમાં જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ હિતુભા ફરાર થઈ જતા પોલીસે તેની સામે ફરાર થવાનો ગુન્હો નોંધ્યો હતો)

૦૮ ડિસેમ્બર ૨૦૧૮ના મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર પર તેના રહેણાંક વિસ્તાર કાલિકા પ્લોટમાં ફરાર હિતુભા દ્વારા ભાડુતી માણસોથી હુમલો કરાવાયો જેમાં બેફામ ફાયરિંગની ઘટનામાં આરીફ મીર બચી ગયો પણ એક નિર્દોષ બાળકનો ભોગ લેવાયો. આ બનાવમાં ફરાર હિતુભા સહિતના લોકો સામે આરીફ મીર પર જીવલેણ હુમલા અને બાળકની હત્યાની ફરિયાદ નોંધાઈ

૨૯ ઓગસ્ટ ૨૦૧૯ના ફરાર હિતુભા સહીત ૫ લોકોની અમદાવાદમાંથી ATS દ્વારા ધરપકડ કરાઈ હતી.

૧૪ ઓકટોમ્બર ૨૦૧૯ના મુસ્તાક મીરની હત્યા, આરીફ મીર પર હુમલા સહિતના ગુન્હામાં અમદાવાદ સાબરમતી જેલમાં રહેલા હિતુભાને પોલીસ જાપ્તામાં મોરબી કોર્ટમાં લઈ આવતા સમયે ધ્રાગંધ્રા નજીક હોનેસ્ટ હોટલ પાસેથી ફોર્ચ્યુનર કારમાં ફરીથી હિતુભા પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.

કાલે ૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના ATS દ્વારા ફરીથી વડોદરા ખાતેથી હિતુભાની ધરપકડ કરી.

(11:27 am IST)