સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

જસદણ નજીક યુવાને આપઘાત કરવા ટ્રકમાં ઝંપલાવ્યું

( વિજય વસાણી દ્વારા ) આટકોટ તા.૭: જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે સવારે એક આદિવાસી યુવાને આપઘાત કરવા માટે રોડ પરથી પસાર થતા ટ્રકમાં ઝંપલાવતા તેના બન્ને પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં તેને ૧૦૮દ્ગક મદદથી પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વિગતો મુજબ સોજીત્રા પેટ્રોલપંપની બાજુમાંથી પસાર થતા એક ટ્રકમાં હાર્દિક સરદારભાઈ ડામોર(ઉ.વ.૨૪)(રહે-શંકરપુરા,જીલ્લો-દાહોદ)એ ઝંપલાવ્યું હતું. પરંતુ સદનસીબે તે યુવાનનો જીવ બચી ગયો હતો અને બન્ને પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના હાઈ-વે રોડ પર બની હોવાથી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ યુવાને કયાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું હતું વગેરે દિશાએ તપાસ આરંભી હતી. જોકે આ બનાવમાં યુવાને કયાં કારણોસર ટ્રકમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેનું હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.

(11:41 am IST)