સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

મોરબી-માળિયા વિસ્તારમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોને સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત

(પ્રવિણવ્યાસ દ્વારા) મોરબી તા.૭ :   જીલ્લા કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલે જણાવ્યું છે કે મોરબી માળિયા વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકશાની થયેલ છે રાજય સરકારના મંત્રીએ પણ ખેડૂતોના પાકને નુકશાન થયાનું સ્વીકાર્યું છે અને રાજય સરકાર દ્વારા સર્વે કરવા ટીમો બનાવવામાં આવી છે જે સર્વેની કામગીરી હાલ ખેડૂતોની મશ્કરી સમાન છે એક રાજય સરકારનું સર્વે અંગેનું નાટક છે.

 હાલ મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના ખેતરમાં પાણી ભરેલ છે અને રાજય સરકારની ટીમો સર્વે કેવી રીતે કરશે ? તેવો પ્રશ્ન કર્યો છે રાજય સરકારે બનાવેલ સર્વેની એક ટીમને પાંચ ગામ સર્વે કરવા કહેલ છે ત્યારે મોરબી અને માળિયા વિસ્તારમાં વધુ ગ્રામ્ય વિસ્તાર હોય સર્વેની કામગીરી શકય નથી જેના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવી ના પડે તે માટે સરકાર સીધી જ ખેડૂતના બેંક ખાતામાં તાત્કાલિક ધોરણે સહાય જમા કરાવે તેવી માંગણી છે.

રાજય સરકાર પાસે મોરબી અને માળિયા વિસ્તારના ખેડૂતોની જમીન, બેન્કની અને અન્ય વિગતો છે જ ત્યારે સરકાર દ્વારા સર્વેનું ફકત નાટક કરવામાં આવી રહ્યું છે જેથી માંગ કરી છે કે સર્વેની કામગીરીનું નાટક બંધ કરી રાજય સરકાર ખેડૂતો સાથે મશ્કરી બંધ કર અને સીધા જ ખેડૂતના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરાવવામાં આવે તેમજ મોરબી માળિયા વિસ્તારને અતિવૃષ્ટિ જાહેર કરવાની માંગ કરી છે.

વોર્ડનં.૪માં લાઇટ,રોડ ગટર પ્રશ્ને રજૂઆત

મોરબી શહેર કોંગ્રેસ મહામંત્રી હસમુખભાઈ કાસુન્દ્રાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકા વોર્ડ નં ૦૪ માં લાઈટો બંધ છે તેમજ અનેક સ્થળે સ્ટ્રીટ લાઈટો નાખવાની બાકી છે વિસ્તારમાં સોસાયટીમાં અનેક રોડ તૂટી ગયેલ છે જેને રીપેરીંગ કરવા અનેક વિસ્તારમાં રોડ બનાવેલ નથી જેતેહી નવા રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી છે વોર્ડ નં ૦૪ માં અનેક સ્થળે ગટર જામ થયેલ છે જેની સફાઈ કરાવવી તે ઉપરાંત વરસાદી પાણી ભરાયેલ હોય જે વરસાદના પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે અને પ્રાથમિક સુવિધાઓ મુદે યોગ્ય કાર્યવાહી ના થાય તો સ્થાનિકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

૧૮૧ની ટીમે યુવતીને નવજીવન આપ્યું

 મોરબી ૧૮૧ માં એક યુવતીનો ફોન આવ્યો હતો જેમાં છેલ્લા આઠ મહિનાથી તે યુવકના પ્રેમમાં હોય તેઓ મોરબી નોકરી માટે આવ્યા હતા અને યુવતી જે યુવકના પ્રેમમાં હોય તે કોઈ સંબંધ રાખવા માંગતો ના હોય જેથી યુવતીને સતત આત્મહત્યાના વિચારો આવતા હતા જેથી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સીલર પરમાર અલ્કાબેન અને કોન્સ્ટેબલ નીલોફર સહિતની ટીમ પહોંચી હતી અને તમામ માહિતી મેળવ્યા બાદ પીડિતાને સાંત્વના આપી શાંત પાડી હતી અને લાંબુ કાઉન્સેલિંગ કર્યું હતું પીડિતા ખુબ હતાશ હોય અને આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય જેથી કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા કરવાના વિચારોમાંથી યુવતીને મુકત કરાવી હતી અને તેની સલામતી તેમજ લાંબા કાઉન્સેલિંગ માટે  સેન્ટરમાં મોકલવામાં આવી હતી આમ ૧૮૧ ટીમે યુવતીને આત્મહત્યા કરતા રોકી તેને નવજીવન આપ્યું હતું.

પટેલ મહિલા સાયન્સ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી

શિક્ષક દિન નિમિતે શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓએ વર્ચ્યુઅલ કોલેજ ઓનલાઈન બનાવી તેમજ શિક્ષકોનો આભાર વ્યકત કર્યો હતો.

વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર ગીતો, સ્પીચ અને કાર્ડના પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યા હતા દ્વિતીય વર્ષની વિદ્યાર્થીનીએ પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરાવ્યો હતો તે ઉપરાંત કવીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વર્ચ્યુઅલ ઇવેન્ટના માધ્યમથી આરતી રોહને વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો અને શિક્ષક દિનની ઉજવણી કરી હતી.

(11:52 am IST)